સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

ચીખલીના સલિમ અને ભરત પર હળવદના સુરવદરમાં છરી-ધારીયાથી હીચકારો હુમલો

ભરતના બનેવીને પડોશી સાથે થયેલા ડખ્ખામં સમાધાનની વાત કરવા બંને મિત્રો જતાં ડખ્ખો

રાજકોટ તા. ૮: માળીયા મિંયાણા તાબેના ચીખલી ગામે રહેતાં સલિમ કરિમભાઇ કટીયા (ઉ.૩૯) અને તેના મિત્ર ભરત વિઠ્ઠલભાઇ સિતાપરા (ઉ.૨૨) પર હળવદના સુરવદર ગામે ધારીયા-છરીથી હુમલો કરતાં ભરતને મોરબી હોસ્પિટલમાં અને સલિમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે હળદવ પોલીસને જાણ કરી હતી. સલિમ છુટક મજૂરી કરે છે. તેના કહેવા મુજબ તેના મિત્ર ભરત કોળીના બનેવી સુરવદર ગામે રહે છે. તેને તેના પડોશી સાથે માથાકુટ થઇ હોઇ ભરત ત્યાં સમાધાનની વાત કરવા માટે  જતો હતો. પોતાને પણ સાથે આવવાનું કહેતાં પોતે પણ ત્યાં ગયો હતો. એ વખતે ભરતના બનેવીના સામેવાળા ધરમશીભાઇ કોળી સહિતના વાત-ચીત વખતે ઉશ્કેરાઇ ગયા હતાં અને ધારીયા-ધોકા-છરીથી હુમલો થતાં પોતાને અને ભરતને ઇજાઓ થઇ હતી. હળવદ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)