સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

ભાવનગરના સોનાણી દ્વારા લિખિત 'અનુભવની ઘટમાળ' પુસ્તકનું વિમોચન

ભાવનગર તા.૮ : કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સંચાલક લાભુભાઇ ટી.સોનાણી લિખીત અનુભવની ઘટમાળ પુસ્તકનું વિમોચન સામાજીક કાર્યકર સીએ કુલીનકાંત ચાંપશી લુઠીયા (માનવ જયોત ટ્રસ્ટ)ના હસ્તે મુંબઇ ખાતે કરાયુ હતુ.

આ પ્રસંગે મુંબઇના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તક રસાસ્વાદ કરાવતા આચાર્ય ઘનશ્યામભાઇ બારૈયાએ પુસ્તકમાં આવરી લેવાયેલ કુલ ૩૩ પ્રકરણોની વિસ્તૃત જાણકારી આપી હતી તેમણે ઉમેર્યુ હતુ કે ખુંબ ટુંકા સમયમાં લેખક દ્વારા જીવનનો ધબકાર મારી સ્મરણયાત્રા, સંવેદનાની શોધ અને આજે ત્રીજુ પુસ્તક મુંબઇના આંગણે અનુભવની ઘટમાળ આવી રહ્યુ છે તે આપણા સૌ કોઇ માટે ગૌરવની વાત છે.

જયારે દિકરી નિષ્ઠાએ લેખકના મનોવલણ અને લેખન પ્રત્યેની તેમની તત્પરતા દર્શાવતા ઉમેર્યુ હતુ કે, રાત્રીના બે અઢી કલાકે પણ મે તેમને ઓર્બીટ મશીન પર પુસ્તકોના લેખો તૈયાર કરતા જોયા છે. આ પ્રસંગે મુંબઇ કમિટીના ચેરમેન કીર્તીભાઇ શાહે મહેમાનોનું સ્વાગત કર્યુ હતુ જયારે પ્રવિણભાઇ ગોગરી, ઉપેન્દ્રભાઇ ત્રિવેદી, હરજીભાઇ ભાડીયાત્રા સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા.

કાર્યક્રમનું પુર્વ ભાગમાં કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ટ્રસ્ટ સંચાલીત શાળા વિકાસ ભંડોળમાં સહાયભૂત થયેલ દાતાઓનું વિશિષ્ટ મોમેન્ટો દ્વારા અભિવાદન કરાયુ હતુ. કાર્યક્રમનું સંચાલન અલ્પેશભાઇ ગાંધીએ કર્યુ હતુ.

(11:39 am IST)