સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

ભાવનગર : સ્કૂલ બસમાંથી ફંગોળાતા વિદ્યાર્થીનીનું મોત

બનાવને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર : બસમાં ઠસોઠસ વિદ્યાર્થીઓ ભરવાના પરિણામે આ ઘટના બની હોવા પરિવારજનોનો આક્ષેપ : પોલીસની ચકાસણી

અમદાવાદ, તા.૭ : ભાવનગરમાં આજે સવારના સમયે ચાલુ સ્કૂલ બસમાંથી ફંગોળાઈ જતા ૧૪ વર્ષની વિદ્યાર્થીનીનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અકસ્માતને પગલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થીનીના મૃતહેદને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બીજીબાજુ, મૃતક વિદ્યાર્થીનીના પરિવારમાં શોકનો માતમ છવાયો હતો. પરિવારજનોએ સ્કૂલ બસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા કે, બસમાં ઠસોઠસ વિદ્યાર્થીઓ ભરવાના કારણ આવી ઘટના ઘટી. બસમાંથી વિદ્યાર્થીની ફંગોળાઇ કેવી રીતે તે સૌથી મોટો સવાલ છે.

      પરિવારે ન્યાય અપાવવાની પણ માંગ કરી હતી. ભાવનગરમાં બસ ચાલકની બેદરકારીના કારણે વિદ્યાર્થીનીનો ભોગ લેવાયો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. ઘોઘા તાલુકાના વાળુકડ ગામે અંધારીયા વડ તરફ જવાના રોડ પર વાળુકડ માધ્યમિક શાળાની બસ શાળા તરફ આવી રહી હતી. તે વેળા ચાલુ બસે તુલસી ચૌહાણ નામની ૧૪ વર્ષીય વિદ્યાર્થીની બસમાંથી અચાનક ફંગોળાઇ પડી જતાં બસના વ્હીલ તળે કચડાઈ ગઇ હતી, જેના કારણે ગંભીર ઇજાઓ થતાં તેણીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે પરિવાર અને સ્થાનિકોમાં શોકનો માહોલ અને આક્રોશ જોવા મળ્યો હતો.

        પરિવારના જણાવ્યા અનુસાર, બસમાં ઠસોઠસ વિદ્યાર્થિઓ ભરવામાં આવે છે તેમજ અકસ્માત બાદ ઘટના સ્થળેથી બસને પણ બદલી નાખવામાં આવી હતી. પરિવારજનોએ સમગ્ર ઘટનામાં ન્યાયી તપાસની પણ માંગ કરી હતી અને જે કોઇ કસૂરવાર હોય તેઓની સામે તાત્કાલિક કાર્યવાહી કરી સખત નશ્યત કરવા પણ માંગ કરાઇ હતી. બીજીબાજુ, ૧૪ વર્ષની વિદ્યાર્થીનીનું બસમાંથી ફંગોળાઇ જવાના કારણે મોત નીપજવાની ઘટનાને લઇ વિસ્તારમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે.

(9:48 pm IST)