સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

ભાવનગરના પાલીતાણા તાલુકાના રંડોળા ગામે વૃધ્ધ દંપતિની હત્યા કરી લૂંટ કરનાર ચાર આરોપીઓને આજીવન કેદ

બેવડી હત્યાના ગુનામાં ભાવનગરના એડી.સેસન્સ જજ શુભદ્રાબેન બક્ષીએ આપેલી ચુકાદો

ભાવનગર તા.૭: એકાદ વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના રંડોળા ગામે મોડી રાત્રે નિંદ્રાધીન વૃધ્ધ દંપતી ઉપર જીવલેણ હુમલો કરી બંનેના મોત નિપજાવી રૂ.૯૧ હજારની લૂંટ ચલાવી હોવાની ચાર શખ્સો સામે પાલીતાણા ટાઉન પોલીસમાં ગુનો દાખલ થયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો, આધાર,પુરાવા,સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી બેવડી હત્યાનો ગુનો સાબીત માની ઉકત ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદી દેવશીભાઇ પરશોતમભાઇ મકવાણા (રંડોળા તા.પાલીતાણા.,જી.ભાવનગર) પોતે રંડોળા ગામ રહે છે અને ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે ગત તા.૧૬-૧૦-૨૦૧૮ના રોજ સવારના ૭ વાગ્યાના સુમારે તેઓ અને તેમના પત્નિ વસનબેન વાડીએ કામ કરતા હતા ત્યારે સવારે ૭:૩૦ કલાકે તેમના મોટાબાપુની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા જયપાલભાઇ તેઓની વાડીએ આવેલા અને કહેલ કે દાદાની વાડીએ જલ્દી ચાલો બા બોલી શકતા નથી તેઓ તથા તેમના પત્નિ વસનબેન બંન્ને તેમના મોટાબાપુની વાડીએ ઘરે ગયેલા અને ફળીયામાં ખાટલા ઉપર તેમની મોટી બા વજુબેન કરશનભાઇ વાઘેલા રંગપરા (ઉ.વ.૭૫) નામની વૃધ્ધાના હાથપગ દોરડાથી બાંધેલા હતા અને મોઢા ઉપર રૂમાલ બાંધેલો હતો અને તેમના મોટી બા ના માથાના ભાગે વાગેલુ હતુ અને લોહી નીકળતુ હતુ તેમને બોલાવતા તેમણે જવાબ આપેલ નહી. અને તેઓ મરણ ગયેલ હોવાનું જણાયેલ.

ત્યારબાદ તેમના મોટાબાપુ પણ તે સમયે જોવા મળેલ નહી તેમને ઘરમાં શોધતા તેઓ અગાસી ઉપર ખાટલા ઉપર તેમના મોટાબાપુ કરશનભાઇ રાઘવભાઇ મકવાણા રંગપરા (ઉ.વ.૭૫)ના પણ હાથ પગ ખાટલાની કાથીથી બાંધી દીધેલ અને તેમના મોઠા ઉપર રૂમાલ બાંધેલ અને તેમને પણ માથાના ભાગે કોઇ અણીદાર ધારવાળા હથીયારથી માર મારવામાં આવેલ અને તેઓને પણ લોહી નીકળતુ હતુ તેમને બોલાવતા તેમણે પણ જવાબ આપેલ નહી અને તેમના મોટાબાપુ કરશનભાઇ પણ મરણ ગયેલ હોવાનું જણાય આવેલ. ઘરમાં તપાસ કરતા ઘરવકરીનો સરસામાન વેરવિખેર પડયો હતો અને કોઇ અજાણ્યો શખ્સોએ લૂંટ અને ચોરીના ઇરાદે વૃધ્ધ દંપતીની હત્યા કરી હોવાનું માલુમ પડેલ હતું. તેમજ અજાણ્યા શખ્સોએ રોકડા રૂ.૫૩ હજાર તેમજ દાગીના મળી કુલ રૂ.૯૧ હજારની લૂંટ ચલાવી નાસી ગયા હતા.

આ બનાવ અંગે મૃતકના ભત્રીજા દેવશીભાઇ પરશોતમભાઇ મકવાણાએ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ (૧)વિનોદ ઉર્ફે વિનુ ઉર્ફે ભોયકો બાબુભાઇ સોલંકી (ઉ.વ.૨૮) (૨) હરેશ ભુપત વાઘેલા (ઉ.વ.૧૯) (૩)મુકેશ ઉર્ફે મુકો ભાકુ વાઘેલા (ઉ.વ.૨૭) (૪)મોહન ભાકુ વાઘેલા (ઉ.વ.૩૨), (તમામ રહેવાસી ભીલવાસ ગરાજીયા રોડ, પાલીતાણા) નામના આરોપીઓને પોલીસે ઝડપી લઇ તમામ આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૦૨, ૩૯૭,૪૪૯,૨૦૧,૧૨૦ (બી),૩૪ તથા જીપીએકટ ૧૩૫ મુજબનો ગુનો નોંધાયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો, મૌખીક પુરાવા-૧૪, દસ્તાવેજી પુરાવા-૫૧, વિગેરે ધ્યાને લઇ બેવડી હત્યાનો ગુનો સાબીત માની ઉકત ચાર આરોપીઓને ઇપીકો કલમ ૩૦૨,૧૨૦ (બી), મુજબનો ગુનો સાબીત માની તમામ આરોપીઓને આજીવન કેદની સજા અને રૂ.૫ હજારનો રોકડ દંડ અને આરોપીઓ દંડ ન ભરે તો વધુ ૩૦ દિવસની સજા, ઇપીકો કલમ ૩૯૭ મુજબના ગુનામાં ૭ વર્ષની સજા અને રૂ.૫ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ ૩૦ દિવસની સજા, ઇપીકો ૪૪૯ના ગુના સબબ તમામ આરોપીઓે આજીવન કેદની સજા અને રૂ.૫ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ ૩૦ દિવસની સજા ઇપીકો કલમ ૨૦૧ મુજબ ૨ વર્ષની કેદ અને રૂ.૨ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૭ દિવસની સજા અદાલતે ફટકારી હતી.

(11:46 am IST)