સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

ગાંધીધામમાં જનાક્રોશ રેલીનો જોરદાર વિરોધ

રેલીમાં હજારો લોકો સ્વયંભૂ જોડાયા

અમદાવાદ,તા. ૭ : કચ્છના ગાંધીધામ શહેરના સંકુલની  જુની જમીનના મુદ્દે  ડી.પી.ટીના અન્યાયકારી વલણ સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો છે. જેના ભાગરૂપે શુક્રવારે ચેમ્બર ઓફ કોમર્સ જનઆક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ઓબીસી એસસી-એસટી લઘુમતી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડની હાજરી રહી હતી. આ વિશાળ રેલીમાં જાણે જનસેલાબ ઉમટયુ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઝંડા ચોકથી ડીપીટી સુધી રેલી યોજાઈ હતી. આ રેલીમાં ૫૦૦૦થી વધુ લોકોએ હસ્તાક્ષર કરી ભરવાડના નેતૃત્વ હેઠળ સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિશાળ જનાક્રોશ રેલીનો વિરોધ અને જનમેદની જોઇને સ્થાનિક સત્તાવાળાઓ પણ ચોંકી ઉઠયા હતા. લોકોએ હાથમાં વિવિધ બેનરો-પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. એટલું જ નહીં વેપારીઓ પણ આ રેલી અને વિરોધ પ્રદર્શનમાં સ્વયંભૂ રીતે જોડાતા બજારો પણ બંધ રહ્યાં હતા. ટ્રાન્સફર ફી સંકુલ ઔદ્યોગિક જમીનને ફ્રીહોલ્ડ કરવા સહિતના મુદ્દા ઉકેલવા સ્થાનિકોએ માંગ કરી હતી. સત્તાવાળાઓને આ મામલે આવદેનપત્ર સુપ્રત કરી પોતાની માંગણી રજૂ કરી હતી.

 

(8:08 pm IST)