સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

શાપુર પાસેથી મળેલા ડિટોનેટર રમેશ સોલંકીએ કેશોદના કલર કામના વેપારી પાસેથી મેળવ્યાનો ધડાકો

પકડાયેલ રમેશને રીમાન્ડ પર લેવા તજવીજ

જુનાગઢ, તા., ૧૭: વંથલીના શાપુર પાસે રેલ્વે પુલ નજીકથી મળેલા ડિટોનેટર રમેશ સોલંકીએ કેશોદના કલર કામના વેપારી પાસેથી મેળવ્યા હોવાનો પુછપરછમાં ધડાકો થયો છે.

શાપુર નજીકથી તાજેતરમાં ર૧ ડિટોનેટર મળી આવ્યા હતા. જેમાં ઇન્ચાર્જ એસપી રવિ તેજા વાસ શેટ્ટીની સુચનાથી એસઓજીના પીઆઇ જે.એમ.વાળા વગેરેએ માણાવદર તાલુકાના મટીયાણા ગામનો રમેશ રતીલાલ સોલંકી (ઉ.વ.૩૮)ની ગઇકાલે ધરપકડ કરી હતી.

પોલીસ પુછપરછમાં આ શખ્સે પોલીસનો બાતમીદાર થવા કૃત્ય આચર્યુ હોવાનું ખુલ્યું હતું.

કોલેજના બીજા વર્ષનો અભ્યાસ કરી ચુકેલો રમેશ કલરકામનું મજુરી કામ કરે છે. તેણે કેશોદના કલર કામના વેપાર સમીર લાડાણી પાસેથી ડિટોનેટર મેળવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હોવાની જાણવા મળેલ છે.

રમેશ સોલંકીએ કયાં હેતુ માટે ડિટોનેટર મેળવેલ અને તેનો શું ઉપયોગ કરવાનો હતો વગેરે મુદ્દે રમેશ સોલંકીને એસઓજીના પીઆઇ જે.એમ.વાળાએ સાત દિવસના રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(3:34 pm IST)