સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

કચ્છના ગાંધીધામ, કંડલા, આદિપુર સજ્જડ બંધઃ લીઝ, ફ્રી હોલ્ડ જમીન - મોર્ગેજ ફી મુદ્દે જનાક્રોશ

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં રેલી

ભુજ તા. ૭ : આઝાદી પછી સરદાર પટેલના પ્રયત્નો થી વસાવાયેલા શહેર કંડલા, ગાંધીધામ અને આદિપુર માં આજે સજ્જડ બંધ સાથે જનાક્રોશ રેલીનું આયોજન કરાયું છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના નેજા નીચે આયોજિત આ જનાક્રોશ રેલીનો હેતુ જમીનના મુદ્દે પડતી મુશ્કેલીનો છે. અહીં જમીનની માલિકી કંડલા પોર્ટની છે. વર્ષોથી લોકોને રહેવા માટે અને ધંધા માટે અપાયેલી જમીનો માત્રને માત્ર લીઝ ઉપર છે. આ જમીનોની લે વેચના નામે લેવાતી મોર્ગેજ ફી ની મોટી રકમ વસુલયા પછી પણ એ જમીન અંગેની માલિકીના પ્રમાણપત્ર કે પ્રોપર્ટી કાર્ડની નોંધ થતી નથી. મોટી રકમ વસૂલીને માત્ર લીઝનું નામ જ ટ્રાન્સફર થાય છે.ગાંધીધામ ચેમ્બર દ્વારા વારંવાર રજુઆત કરાયા પછી કેન્દ્રના શિપિંગ મંત્રાલય દ્વારા આ જમીન રાજય સરકારને સોંપવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ, તે દિશામાં કોઈ કામગીરી ન થતા હવે કંટાળીને લોકોએ લોક લડતના મંડાણ કર્યા છે.

આજે સમગ્ર કંડલા, ગાંધીધામ અને આદિપુર સજ્જડ બંધ છે. સવારે હજારો લોકોએ જનાક્રોશ રેલીમાં જોડાઈને કંડલા પોર્ટ તેમજ કેન્દ્ર અને રાજય સરકાર વિરૂદ્ઘ પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો.(૨૧.૧૫)

(12:02 pm IST)