સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

જોડીયામાં પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં ગીતા જયંતિ મહોત્સવ

૧૭ થી ૧૯ સુધી સામૂહિક હોમાત્મક પાઠ, અનુષ્ઠાન, સંતો, કથાકારો દ્વારા સત્સંગ પ્રવચન

જોડીયા - વાંકાનેર - જામનગર, તા. ૭:  જામનગર જીલ્લાના જોડીયામાં પૂ.વિરાગમુનિ સ્થાપિત શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ, શ્રી ગીતા વિદ્યાલય જોડીયાધામ ખાતે પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં તા.૧૭ થી ૧૯ સુધી ૪૪માં શ્રી ગીતા જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત તા.૧૯ને બુધવારે સવારે ૯:૩૦ વાગ્યે પૂ.મોરારીબાપુ ગીતા જયંતિ નિમિતે ગીતા સંદેશ આપશે.

શ્રી ગીતા જયંતિ મહોત્સવમાં દરરોજ સવારે વિશ્વ કલ્યાણ અને હરિ પ્રસન્નાર્થે ગીતા વિદ્યાલયના બાળકો તથા ભાવિકો દ્વારા સામૂહિક હોમાત્મક પાઠ - અનુષ્ઠાન થશે.  પૂ.શ્રી વિરાગમુનિ સ્થાપિત શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ સંચાલિત ગીતા વિદ્યાલય દ્વારા આયોજીત ૪૪મો શ્રી ગીતા જયંતિ મહોત્સવ પૂ.મોરારીબાપુના પાવન સાનિધ્યમાં ભવ્ય ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું છે.

શ્રી ગીતા જયંતિ મહોત્સવ દરમિયાન સવારે વિશ્વ કલ્યાણ એવમ્ હરિપ્રસન્નાર્થે ગીતા વિદ્યાલયના બાળકો તથા ભાવિકો સામૂહિક રૂપથી ''હોમાત્મક'' પાઠ અનુષ્ઠાનના સહભાગી બનશે.

૧૭ના સોમવારથી સાંજે ૪ વાગ્યે સંત કથાકારો દ્વારા સત્સંગ પ્રવચનો મંગલ પ્રારંભ કરાશે. જે ૭ વાગ્યા સુધી કાર્યક્રમ ચાલશે. જયારે ૧૮ મંગળવારની સાંજે અતિથિ તરીકે વિશેષ અનંત શ્રી વિભૂષિત જયોતિ પીઠાથીશ્વર દ્વારકાના શારદાપીઠાધીશ જગતગુરૂ શ્રી શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજના પરમ શિષ્ય બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજી કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભાવિકજનોને પોતાની વાણીના સત્સંગ દ્વારા આર્શીવચન પાઠવશે. તે ઉપરાંત તે જ દિવસ રાત્રીના નવ વાગ્યે ભજનીક રામદાસ ગોંડલીયા ભજનની રમઝટ બોલાવશે અને વચ્ચેના સમયમાં દ્વારકાના હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા હાસ્યરસ પ્રસ્તુત કરશે.

શ્રી ગીતા જયંતિ મહોત્સવનો લાભ લેવા માટે શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ વતી ગીતા વિદ્યાલય પરીવારે સર્વેને આમંત્રણ પાઠવેલ છે. ધર્મક્ષેત્રના પરીસરમાં બ્રહ્મલીન વિરાગમુનિજીની સમાધિ સ્થળ તરીકે મંદિર સ્થાપિત છે.

લાભ લેવા ''ધર્મક્ષેત્ર'' શ્રી ગીતા વિદ્યાલય, જોડીયાધામ ખાતે ઉપસ્થિત રહેવા શ્રી રામ કૃષ્ણ સાધના ટ્રસ્ટ તથા શ્રી ગીતા વિદ્યાલય પરીવારના અધ્યક્ષ યોગેશભાઈ શાસ્ત્રીએ અનુરોધ કર્યો છે. (૪૫.૫)

 

(12:01 pm IST)