સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

ભુજ ખાતે ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા વિશ્વ જમીન દિવસની ઉજવણી કરાઇ

કુષિ તજજ્ઞો દ્વારા જમીન પાણી અને ખાતર વિશે માર્ગદર્શન અપાયું

ભુજ, તા.૭:ગત તા. ૦૫-૧૨-૨૦૧૮ના રોજ નાયબ ખેતી નિયામક (તાલીમ), ખેડુત તાલીમ કેંદ્ર, ભુજ કચેરી ખાતે ''વિશ્વ જમીન દિવસ''ની ઉજવણી કરવામાં આવી હતી અને ખેડુતો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો વપરાશ ધટાડે અને જૈવિક ખાતર, સેંદ્રિય ખાતર, છાણિયા ખાતર તેમજ ગૌમુત્રનો મહત્ત્।મ વપરાશ કરી જમીનની ફળદ્રુપતા, જૈવિક અને ભૌતિક સ્થિતી સુધારી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે તે અંગે ભારપૂર્વક જણાવવામાં આવ્યુ તેમજ વિવિધ પાકોમાં કયા પ્રકારના ખાતરો, કયારે, કેટલા પ્રમાણમાં અને કઇ પધ્ધતિથી આપવા તે અંગે કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ જમીન અને પાણીના પૃથ્થકરણ માટે નમુના લેવાની કાર્ય પધ્ધતિ અંગે સમજ અપાઇ હતી. વધુમાં ખેડુતમિત્રો કચ્છ જિલ્લાના કૃષિ યુનિવર્સીટીના સંશોધન કેંદ્રો, કૃષિ વિજ્ઞાન કેંદ્રો અને જમીન ચકાસણી પ્રયોગશાળાની મુલાકાત લઇ મહત્ત્।મ લાભ લેવા આહવાન કરાયું હતું.

આ પ્રસંગે ડો. કે.ઓ.વાદ્યેલા, નાયબ ખેતી નિયામક(તાલીમ), ભુજ, ડો. યુ. એન. ટાંક, સિનિયર વૈજ્ઞાનિક અને હેડ, કૃષિ વિજ્ઞાન કેંદ્ર, સાડાઉ, તા. મુંદ્રા, ડો. બી. આર. નાકરાણી, સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રી, વિભાગીય સંશોધન કેંદ્ર, કોઠારા, શ્રી કે. વી. પટેલ, મદદનીશ ખેતી નિયામકશ્રી, શ્રી ડોબરીયા સાહેબ, તાલીમ મદદનીશ, કે.વિ.કે., સાડાઉ શ્રી ગૌતમ વેગડ, વિષય નિષ્ણાંત, કે.વિ.કે., સાડાઉ તેમજ ભુજ તાલુકાના ૬૦ ખેડુત ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં ખેડુતોને જમીન, પાણી અને ખાતર વ્યવસ્થાપન વિશે તાંત્રિક માર્ગદર્શન અપાયું હતું તેવું નાયબ ખેતી નિયામક (તાલીમ) ભુજ-કચ્છ દ્વારા જણાવ્યું છે.(૨૨.૨)

 

(11:55 am IST)