સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

ગાય આડી ઉતરતાં મોટરસાઇકલ સ્લીપ થયું: જામરાવલના કોળી યુવાનનું મોતઃ મિત્રને ઇજા

કુતિયાણા-રાણાકંડોરણા વચ્ચેના રોડ પર જીવલેણ અકસ્માતઃ મૃતક નગાભાઇ ગામીની એક દિકરીના બે માસ બાદ લગ્ન નક્કી થયા છેઃ બાટવા કામે જતી વખતે કાળ ભેટ્યો

રાજકોટ તા. ૬: પોરબંદર હાઇવે પર કુતિયાણા-રાણાકંડોરણા વચ્ચેના રોડ પર અચાનક ગાય આડી ઉતરતા બાઇક સ્લીપ થઇ જતાં કલ્યાણપુર તાબેના જામરાવલ ગામના બે કોળી યુવાન ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જેમાં એકનું મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ જામરાવલ રહેતાં અને છુટક મજૂરી કરતાં નગાભાઇ અરજણભાઇ ગામી (કોળી) (ઉ.૪૨) ગામના જ મિત્ર મોહનભાઇ રણમલભાઇ વાઘેલા (કોળી) (ઉ.૪૦) સાથે બાઇક પર બેસી બાટવા મજૂરી કામે જઇ રહ્યા હતાં ત્યારે કુતિયાણા-રાણાકંડોરણા વચ્ચેના રોડ પર ગાય આડી ઉતરતાં ચાલક મોહનભાઇ અને પાછળ બેઠેલા નગાભાઇ બંને ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં.

અહિ રાત્રીના નગાભાઇ ગામીએ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહ ચોૈહાણે કાગળો કર્યા હતાં. મૃત્યુ પામનાર નગાભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં ચાર દિકરી છે. જેમાં એક દિકરીના બે માસ બાદ લગ્ન લેવાયા હોઇ પરિવારજનો તેની તૈયારીમાં હતાં ત્યારે જ મોભીનું મોત નિપજતાં કલ્પાંત સર્જાયો છે. (૧૪.૬)

(11:50 am IST)