સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

ધારીના ફાચરીયા ગામમાં દોઢ વર્ષના માસુમ 'દિપ'નો ચુલાની ઝાળે 'જીવનદિપ' બુઝાયો

રમતો હતો ત્યારે કેરોસીન કપડા પર ઢોળાયું, ચુલામાંથી ઝાળ લાગતાં ભડકોઃ રાજકોટ હોસ્પિટલમાં મોત

રાજકોટ તા. ૬: ધારીના ફાચરીયા ગામે ૧ાા વર્ષનો માસુમ બાળક રમતો-રમતો કાળનો કોળીયો બની ગયો હતો. રસોડામાં ચુલા પર રાખેલી કેરોસીનની બોટલ તેના કપડા પર ઢોળાતાં ચુલા પર પાણી ગરમ થતું હોઇ કેરોસીનવાળા કપડાને ઝાળ લાગી જતાં આ માસુમ ગંભીર રીતે દાઝી ગયો હતો. તેનું રાજકોટમાં મોત નિપજતાં કોળી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ ફાચરીયા ગામે રહેતાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં  સંજયભાઇ જેરામભાઇ પાટડીયા (કોળી) અને નિર્મલાબેન સંજયભાઇ પાટડીયાનો પુત્ર દિપ (ઉ.૧ાા વર્ષ) ગત સાંજે ચારેક વાગ્યે ઘરમાં રમતો હતો ત્યારે રસોડામાં ચુલા પર પાણી ગરમ કરવા મુકાયું હતું. રમતો રમતો તે ચુલા પાસે ગયો ત્યારે અકસ્માતે કેરોસીનની બોટલ ઢોળાતાં દિપના કપડા કેરોસીનવાળા થઇ જતાં તે ચુલા નજીક હોઇ ઝાળ લાગી જતાં દાઝી ગયો હતો. તેને ધારી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ રાત્રીના મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહ ચોૈહાણે કાગળો કરી ધારી પોલીસને જાણ કરી હતી. દિપ બે ભાઇ અને એક બહેનમાં સોૈથી નાનો હતો. લાડકવાયાના મોતથી પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. (૧૪.૬)

(11:49 am IST)