સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

પતિની હત્યામાં પકડાયેલા શખ્સો જામીન પર છુટી જતાં કોટડા સાંગાણીના હસુબેને ઝેર પીધું

દલિત મહિલાના પતિ નાનજીભાઇની આરટીઆઇ કરવાના મામલે દરબાર શખ્સો દ્વારા નવ મહિના પહેલા હત્યા થઇ'તી

રાજકોટ તા. ૬: કોટડા સાંગાણીના માણેકવાડા ગામમાં રહેતી હસુબેન નાનજીભાઇ સોંદરવા (ઉ.૩૦) નામની દલિત મહિલાના પતિની હત્યાના ગુનામાં પકડાયેલા પૈકીના ત્રણ શખ્સોનો જામીન પર છુટકારો થઇ જતાં તેણીને માઠુ લાગી જતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. બનાવની જાણ થતાં રાત્રે હોસ્પિટલ ખાતે દલિત સમાજના લોકો ઉમટી પડતાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.

હસુબેને રાત્રે ઝેર પી લેતાં કોટડા સાંગાણી સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિં ચોૈહાણે કોટડા પોલીસને જાણ કરી હતી. હસુબેનના સસરા મેઘાભાઇ સોંદરવાના કહેવા મુજબ તેનો દિકરો નાનજીભાઇ ગ્રામ પંચાયતનો સભ્ય હતો. તેણે અગાઉ સરપંચ વિરૂધ્ધ આરટીઆઇ કરી હોઇ તે બાબતના મનદુઃખને કારણે નવ મહિના પહેલા પુત્ર નાનજીભાઇની હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં છ શખ્સોની ધરપકડ થઇ હતી. દરમિયાન ગઇકાલે મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, નરેન્દ્રસિંહ સહિતના ત્રણને કોર્ટ દ્વારા જામીન મુકત કરવાનો હુકમ થતાં આ બાબતની જાણ હસુબેનને થતાં તેમને આઘાત લાગી જતાં ઝેરી દવા પી લીધી હતી.

બનાવની જાણ થતાં રાત્રે દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ખબર પુછવા પહોંચી જતાં બંદોબસ્ત ગોઠવાયો હતો. સારવારમાં રહેલા હસુબેનને સંતાનમાં બે પુત્ર છે. કોટડા સાંગાણી પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૬)

(11:49 am IST)