સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

વિછીયાના લાખાવડમાં રામશી રબારી અને તેના ભાઈ પર કોૈટુંબીક ભાઇઓનો ધારીયા-કુહાડીથી ખૂની હુમલો

ઘરની દિવાલ બાબતે ડખ્ખોઃકોલેજીયન યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયોઃ સામા પક્ષે ગભરૂભાઈ : સાંબડે ૩ શખ્સો સામે હુમલો કર્યાની વળતી ફરીયાદ કરીઃ બન્ને પક્ષના ચારની ધરપકડ

રાજકોટ તા. ૭ :. વિંછીયાના લાખાવડ ગામે રહેતાં અને કોલેજમાં અભ્યાસ કરતાં રામશી રૂપાભાઇ સાંબડ (ઉ.૧૯) તથા તેના ભાઈ રણછોડભાઈ પર તેના જ કોૈટુંબીક ભાઇઓ ગભરૂ સવશીભાઇ અને વિભા સવશીભાઇએ ઝઘડો કરી ધારીયાથી હુમલો કરી માથામાં ઇજા કરતાં રામશીભાઈને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

રામશીના સગાના કહેવા મુજબ અગાઉ દિવાલ ચણવા બાબતે રામશી પર ગભરૂ સહિતનાએ હુમલો કર્યો હોઇ ત્યારે પણ રામશીને પાંચ ટાંકા આવ્યા હતાં. ત્યારથી મનદુઃખ ચાલતું હોઇ તેનો ખાર રાખી ગત રાત્રે ફરીથી ઝઘડો કરી ધારીયાના ઘા ઝીંકી દેવાયા હતાં અને વચ્ચે પડેલ ઈજાગ્રસ્ત રામશીભાઈના ભાઈ રણછોડભાઈ પર પણ પાઈપથી હુમલો કરાયો હતા. વિંછીયા પોલીસે રણછોડભાઈની ફરીયાદ પરથી ખૂની હુમલા સહિતની કલમો તળે ગુન્હો દાખલ કરી આરોપી વિભા સાંબડ તથા સવસી સાંબડની ધરપકડ કરી હતી.

સામા પક્ષે ગભરૂભાઈ સાંબડે રણછોડ ઉર્ફે મુન્નો રૂપાભાઈ સાંબડ, રામશી રૂપાભાઈ સાંબડ તથા રૂપાભાઈ મોતીભાઈ સાંબડે ધારીયા અને લાકડીથી હુમલો કર્યાની વળતી ફરીયાદ કરતા વિંછીયા પોલીસે આ બનાવમાં આરોપી રણછોડ સાંબડ તથા રૂપા સાંબડની ધરપકડ કરી છે.(૨-૯)

 

(11:47 am IST)