સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

ભાવનગરમાં વ્યાજખોરો બેફામઃ પરિવારને ઘરમાં પુરીને અપહરણની ધમકી

અરૂણભાઈ દવેના ઘરે આવીને ધમકી આપનાર જસમત જસકાવાળા, અજય ભુદેવ સહિત ૯ સામે ફરીયાદ

ભાવનગર, તા. ૭ :. ભાવનગરમાં વ્યાજે રૂપિયા આપનાર શખ્સોએ પઠાણી ઉઘરાણી કરી વિપ્ર પરિવારના મકાનને મકાનમાં મહિલાઓ હોવા છતા બહારથી તાળુ આપી ગાળો આપી, બાળકોનું અપહરણ કરવાની ધમકી આપતા પોલીસ દોડી ગઈ હતી. આ અંગે વ્યાજખોર શખ્સો સામે ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી છે કે, શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ મહાવીર સોસાયટીના પ્લોટ નં. ૧૮-એ માં રહેતા અરૂણભાઈ દવેના મકાનમાં ૯ થી ૧૦ શખ્સોએ ધસી આવીને અરૂણભાઈના પુત્રો ભવદીપ અને ચેતને વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણી કરી અરૂણભાઈના પરિવારના મહિલા સભ્યો મકાનમા હોય બહારથી તાળુ મારી ગાળો આપી ધમકી આપી, પુત્રોનું અપહરણ કરવાની ધમકી આપી નાસી છૂટયા હતા.

આ અંગે પોલીસને જાણ થતા પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી અને તાળુ તોડી મહિલાઓને મુકત કરી હતી. આ બનાવ અંગે હરસિદ્ધિબેન દિપકભાઈ મહેશભાઈ દવે એ ડી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જસમતભાઈ જસકાવાળા, અજય ભુદેવ, કાળા શર્ટવાળા સહિતક અજાણ્યા ૯ થી ૧૦ શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં વ્યાજખોરો બેખોફ બન્યા છે અને દાદાગીરી કરી વ્યાજે નાણા લેનાર પાસે પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. આ બનાવથી તપાસ ડી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ એસ.પી. અગ્રાવત ચલાવી રહ્યા છે.(૨-૧૧)

(11:40 am IST)