સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

કચ્છમાં જવલનશીલ ફુગ્ગાથી દાઝી ગયેલા બન્ને યુવકોના મોત

નખત્રાણામાં પાટીદાર સતપંથ સમાજના નિષ્કલંકીધામમાં ર દિવસ પહેલા દુર્ઘટનામાં દાઝી ગયેલા બન્ને યુવકોના મોતથી અરેરાટી

 ભુજ તા. ૭ :.. કચ્છનાં નખત્રાણામાં આવેલા પાટીદાર સત્પંથ સમાજના નિષ્કલંકીધામમાં પરમ દિવસે સવારે જવલનશીલ વાયુ ભરેલો ફુગ્ગો અગનગોળો બની નીચે પડતાં દાઝી ગયેલાં બંને યુવકોના મોત નીપજયા છે. મંદિરના સેવા મંડળના સભ્ય કરસનભાઇ કાનજીભાઇ સેંઘાણીએ જણાવ્યું કે, અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં સુભાષ ભરત રાઠવા (ઉ.૪૦) નું સવારે અને મહેશ કાનજી પટેલ (ઉ.૩પ) ના બપોરે સારવાર દરમિયાન મોત નિપજયા હતાં. સુભાષ પંચમહાલનો અને મહેશ નખત્રાણાના નાગવીરીનો વતની હતો.

દુર્ઘટનામાં દાઝી ગયેલાં બંને યુવકોના મોતથી ભકતોમાં ગમગીની છવાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને ઉજવાયેલા મંદિરના દશાબ્દિ મહોત્સવ પ્રસંગે ૭ બાય ૭ નો ફુગ્ગો આકાશમાં તરતો મુકાયો હતો.

મંગળવારે સવારે મૃતક યુવકો મંદિર પરિસરમાં સાફ-સફાઇ કરી રહ્યા હતા ત્યારે ફુગ્ગો અગનગોળો બની તેમના પર ધડાકાભેર તૂટી પડયો હતો.

સુત્રોના મતે ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે ત્યારે આ પ્રકારની દુર્ઘટના ઘટતી હોય છે. બનાવ જીવલેણ દુર્ઘટનામાં પરિવર્તીત થયો છે ત્યારે સ્થાનીક પોલીસની તપાસ પર પણ લોકોની મીટ મંડાઇ છે.

 

(11:39 am IST)