સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

જસદણ બેઠક પર ૮ ઉમેદવારો મેદાનમાં : ૭ અપક્ષે ફોર્મ ખેંચ્યા

૨૦મીએ જસદણ બેઠકની પેટા ચૂંટણી : ઉમેદવારીપત્ર પાછા ખેંચવાના છેલ્લા દિવસે સાત અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ખેંચી : ચૂંટણી ચિત્ર આખરે સ્પષ્ટ

અમદાવાદ,તા.૬ : જસદણ વિધાનસભાની ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે સાત જેટલા અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. જે બાદ હવે જસદણ બેઠક પર ૮ જેટલા ઉમેદવારો વચ્ચે જ ચૂટણીજંગ ખેલાશે. જો કે, મુખ્ય અને સીધો જંગ તો ભાજપના કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના અવસર નાકિયા વચ્ચે રહેશે, જે પ્રતિષ્ઠાભર્યા જંગ બની રહેશે. જસદણમાં વિધાનસભાની ચૂંટણીનો ભારે ગરમાવો છે. આગામી તા.૨૦ ડિસેમ્બરના રોજ આ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ કેટલાય ડમી ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. પરંતુ આજે ઉમેદવારીપત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે અપક્ષ ઉમેદવારોના ૭ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જસદણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના મળીને ૮ ઉમેદવારો વચ્ચે જ ચૂંટણીજંગ ખેલાશે. જો કે, ચૂંટણી જંગની સીધી સ્પર્ધા ભાજપના કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના અવસર નાકિયા વચ્ચે રહેશે. ભાજપ અને કોંગ્રેસે આ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે અને મરણિયા પ્રયાસો આદર્યા છે, જેને લઇ હાલ ચૂંટણીનો પ્રચાર-પ્રસાર ચરમસીમાએ ચાલી રહ્યો છે. જેને લઇ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો જોરદાર તૈયારીમાં છે. ભાજપ અને કોંગ્રેસ માટે આ પેટાચૂંટણી ખુબ જ પ્રતિષ્ઠિત બની ગઈ છે. બંને પાર્ટીઓએ તમામ તાકાત લગાવી દીધી છે. ઉમેદવારીને લઇને ચિત્ર સ્પષ્ટ થયા બાદ આગામી દિવસોમાં પ્રચાર પ્રક્રિયા તીવ્ર બનાવવામાં આવશે. ૨૦મી ડિસેમ્બરના રોજ પેટાચૂંટણી થનાર છે ત્યારે ચૂંટણી પ્રક્રિયા હાલ ચાલી રહી છે. ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ હવે પૂર્ણ થઇ ચુક્યો છે. પેટાચૂંટણીમાં મોટાભાગે જુદા જુદા રાજ્યોમાં ભાજપને નિરાશા હાથ લાગી છે.

ઉમેદવારો મેદાનમાં....

૧.      ભરત જેસા માનકોલીયા- (અપક્ષ)(કોળી)

૨.      કુંવરજી મોહન બાવળીયા- (ભાજપ) (કોળી)

૩.      નાથાલાલા પુંજાભાઇ ચિત્રોડા (અપક્ષ) (દલીત)

૪.      ધરમશી રામજી ઢાયા- વ્યવસ્થા પરિવર્તન પાર્ટી

૫.      દીનેશ સના પટેલ- નવ ભારત નીર્માણ મંચ (પટેલ)

૬.      અવસર કાનજી નાકીયા- (કાંેગ્રેસ) (કોળી)

૭.      મુકેશ મોહન ભેસંજાળીયા (અપક્ષ) (કોળી)

૮.      નીરુપાબેન નટવરલાલ માઘુ (અપક્ષ) (બ્રહ્મક્ષત્રીય)

(8:40 pm IST)