સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

કચ્છમાંથી ઝડપાયેલા બંને કાશ્મીરી યુવકોની પોલીસ ઉપર પથ્થરમારો સહિતના ૩ ગંભીર ગુન્હામાં સંડોવણી

અમદાવાદ: ભૂજના ગેસ્ટહાઉસમાંથી પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે. કેન્દ્રિય ગુપ્તચર સંસ્થાએ આપેલી બાતમી અનુસાર, બંને શખ્સો કાશ્મીરી છે, અને તેઓ જમ્મુ-કાશ્મીરમાં પોલીસ પર કરાયેલા પથ્થરમારામાં સામેલ હતા. પોલીસના હાથ લાગેલા બે શખ્સોમાંથી એકની ઉંમર 16 વર્ષ છે, જ્યારે બીજો શખ્સ 21 વર્ષનો અલતાફ નઝર છે, જે કાશ્મીરના કુપવારા જિલ્લાના નતમાસા ગામનો રહેવાસી છે.

અલતાફ અને તેની સાથે પકડાયેલો કિશોર પોલીસ પર પથ્થરમારા કરવા સહિતના ત્રણ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનો આરોપ છે. ભૂજ પોલીસે બંનેને વધુ પૂછપરછ માટે ગુજરાત એટીએસને સોંપી દીધા છે. લોકો પાસેથી પોલીસને વાયર-કટર તેમજ ગુજરાતના કેટલાક લોકોના સંપર્ક પણ મળ્યા છે. પોસીકે સેન્ટ્રલ એજન્સીઓ અને જમ્મુ-કાશ્મીર પોલીસને પણ અંગે માહિતી આપી દીધી છે.

એક ટોચના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બંને ભૂજના એક ગેસ્ટહાઉસમાં રોકાયા હતા, જ્યાંથી પોલીસે તેમને ઝડપી લીધા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેઓ પોલીસ પર હુમલો કરવા ઉપરાંત સશસ્ત્ર દળો પર પથ્થરમારાના આરોપમાં સંડોવાયલા છે. તેમની પાસેથી જે માહિતી મળી છે તે ઘણી ગંભીર છે, અને તેમની વધુ પૂછપરછ માટે એટીએસને તેમની કસ્ટડી અપાઈ છે.

પોલીસનું માનવું છે કે, કાશ્મીરમાં પોલીસના હાથે પકડાઈ જવાય તે માટે બંને ગુજરાત આવ્યા હોઈ શકે છે. જોકે, તેમની પાસેથી વાયર કટર સહિતનો જે સામાન મળ્યો છે તેના પરથી લાગે છે કે તેઓ ગુજરાતમાં કોઈ ભાંગફોડની પ્રવૃત્તિ કરવાનું આયોજન કરી રહેલા જૂથનો હિસ્સો હોઈ શકે છે. પોલીસે હાલ બંનેની સત્તાવાર ધરપકડ નહીં, પરંતુ અટકાયત કરી છે.

(5:04 pm IST)