સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th December 2017

પાટડીમાં રૂ.૧૪.૭પ લાખ લૂંટ પ્રકરણમાં લૂંટારૂઓનુ બાઇક જપ્ત

વઢવાણ, તા. ૭ : પાટડીમાં ધોળા દિવસે ગામ વચ્ચેથી નંબર વગરના પલ્સર બાઇકમાં આવેલા બે શખ્સોએ બેંકમાં નાણા ભરવા જતા  તેમની પાસેથી રોકડા રૂ. ૧૪.૭પ લાખ ભરેલો થેલો લૂંટીને ફરાર થવાની ઘટનાને બે દિવસ વિતવા છતાં આરોપી પકડાયા નથી.

પાટડી પોલીસે બાતમીના આધારે ગેડીયા ગામેથી ફિરોઝ અ મલેકને ઘરના દરવાજા પાસેથી આ લૂંટ કેસમાં વપરાયેલુ નંબર પ્લેટ વગરનું પલ્સર બાઇક ઝબ્બે કરાયું હતું જે બાદમાં કેસમાં બન્ને ફરીયાદી નિલેશ રાજગોર અને પ્રકાશ રાવલ ઓળખી બતાવ્યા હતાં. આ ચકચારી ભર્યા લૂંટ કેસનું પગેરૂ ઝડપી મેળવવા આગળની તપાસ એલસીબી પીઆઇ એમ.કે. વ્યાસને સોંપવામાં આવી છે.

લીંબડીમાં ચોરી

લીબડીમાં ઘરફોડી ચોરી વાહનોની ઉઠાંતરી અને દુકાનોમાં ચોરીના બનાવો અવારનવાર બનતા હોય છે ત્યારે લીંબડીની મુખ્ય બજારમાં આવેલી દુકાન ઉપર તસ્કરો ત્રાટકયા અને બે મોબાઇલ સહિત દસથી બાર હજાર રૂપિયા ઉઠાવી ગયા હતાં. લીંબડીની મુખ્ય બજારના આવેલી ચામુડા કૃપા મોબાઇલ રીપેરીંગની દુકાન ધરાવતા પ્રકાશભાઇ આર. ડાભીની દુકાનમાં તસ્કરોએ હાથહેરો કર્યો હતો. જેમાં બે નંગ મોબાઇલ અને દસથી બાર હજાર રૂપિયા રોકડાની તસ્કરો દ્વારા ઉઠાંતરી કરવામાં આવી છે જેની ફરીયાદ પ્રકાશભાઇ ડાભીએ લીંબડી પોલીસ મથકમાં આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(3:39 pm IST)