સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th December 2017

કોંગ્રેસનો એજન્ડા જાતીવાદના ઝેર ફેલાવવાનો, અમારો એજન્ડા વિકાસવાદનો : અમિતભાઇ શાહ દ્વારકામાઃ નરેન્દ્રભાઇને ગાંધી બાપુ સ્વપ્નામાં આવ્યા'તા

 મીઠાપુર-દ્વારકા : દ્વારકા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની જાહેરસભા યોજાઇ હતી. શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસનો એજન્ડા જાતીવાદનો ઝેર ફેલાવવાનો છે. જયારે અમારો-ભાજપનો એજન્ડા વિકાસવાદનો છે.  અમિતભાઇ શાહે જણાવ્યું કે રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના આગેવાનો કહેતા હતા કે કોંગ્રેસ આવે છે, કોંગ્રેસ આવે છે પરંતુ યુપીનું પરીણામ કંઇક અલગ જ આવ્યું અને કોંગ્રેસની બોલતી બંધ થઇ ગઇ છે. ભાજપ સરકારે કરફયુ મુકત ગુજરાતનું શાસન આપીને લોકોને ભયમુકત કર્યા છે. પીવાના પાણી, રસ્તા સહીતના અનેક પ્રશ્નો ઉકેલી દીધા છે.  અમિતભાઇ શાહે આહવાન કર્યુ હતું કે ૯ મી તારીખે ઇવીએમનું એવુ બટન જોરથી દબાવજો કે તેનો કરંટ ઇટાલીમાં લાગે.  આ તકે ભાજપના ઉમેદવાર પબુભા માણેક, સાંસદ પુનમબેન માડમ સહિતના ઉપસ્થિત રહયા હતા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની જાહેરસભામાં પ્રવચન કરતા દ્વારકાના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર પબુભા માણેકે જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ગાંધી બાપુ સ્વપ્નામાં આવ્યા હતા અને તેમણે નરેન્દ્રભાઇને કોંગ્રેસ મુકત ભારત કરવા આદેશ કર્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ અભિયાન ઉપાડી લઇને કોંગ્રેસ મુકત ભારત બનાવવા માટે કમ્મર કસી છે.ગુજરાતમાં હાલ ચૂંટણીનો ગરમાવો હોઇ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ગઇકાલે દેવભૂમિ દ્વારકા જીલ્લાના પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવી પહોંચ્યા હતા. જયાં તેઓનું એરપોર્ટ ખાતે સંસદસભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા વિરમભા માણેક, ઓખા તેમજ દ્વારકા નગર પાલિકાના પ્રમુખ તેમજ હોદેદારો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયા બાદ બિરલા પ્લોટ ખાતે યોજવામાં આવેલી સભા સ્થળે પહોંચ્યા હતા. અમિત શાહે જાહેર સભાને સંબોધતા પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કે હું અહીંયા પબુભાની ચૂંટણી માટે નઇ પણ ભગવાન શ્રી દ્વારકાધીશ તેમજ અહીં જનતા જનાર્દનના દર્શન કરવા આવ્યો છું કારણ કે જયાં સતત ૬ ટર્માથી પબુભા ચૂંટાતા હોય તેમજ પબુભા જયાં હાજર હોય ત્યાં ભાષણ માત્ર બેજ શબ્દોમાં હોય શિવ શિવ શિવ. ત્યારબાદ તેઓશ્રીએ જનતાને :મી તારીખે મતદાન અચૂકવા અપીલ કરી હતી અને નરેન્દ્રભાઇ મોદી દ્વારા આપવામાં આવેલી યોજનાઓ વિષે પણ માહિતી આપી. ખૂબજ મોટી સંખ્યામાં જનતાએ અમિતભાઇ શાહને સાંભળ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ વિનુભાઇ સામાણી, દિવ્યેશ જટાણીયા-દ્વારકા-મીઠાપુર)

(11:45 am IST)