સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th November 2019

મોરબીમાં સંભવીત વાવાઝોડા સામે આરોગ્ય તંત્ર સજ્જઃ સગર્ભા બહેનો સલામત સ્થળે ખસેડાયા

મોરબી,તા.૭: હાલ મહા વાવાઝોડાનો ભય ગુજરાત પર તોળાય રહ્યો છે આવા સંજોગોમાં વાવાઝોડાની અસર આરોગ્ય સેવાઓ પર ના પડે તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સગર્ભા બહેનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે

મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલ તરફથી મળેલ સુચના મુજબ તકેદારીના પગલા લેવા અંગે જીલ્લા વિકાસ અધિકારી એસ એમ ખટાણા અને જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા વિસ્તારના વાવાઝોડા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા હોય અને વાવાઝોડા સમય દરમિયાન ડીલેવરીની તારીખો આવતી હોય તેવા સગર્ભા બહેનોને આરોગ્યની વિવિધ સંસ્થાઓ ખાતે અગાઉથી જ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે

મોરબી જીલ્લામાં વાવાઝોડાની અસર થાય તો પણ તેમને ડીલેવરી માટે કોઈ મુશ્કેલી ઉભી થાય નહિ અને આ હેતુથી મોરબી જીલ્લામાં આરોગ્યની જુદી જુદી સંસ્થાઓ ખાતે કુલ ૪૫ સગર્ભા બહેનોને સલામત પ્રસૃતિ માટે અગાઉથી જ સ્થળાંતર કરી દીધેલ છે અને હજુ પણ સ્થળાંતર કામગીરી ચાલી રહી છે તેમજ સ્થળાંતર કરેલ સગર્ભા માતાઓ પૈકી ૨૬ ની સલામત પ્રસૃતિ પણ કરવામાં આવી છે

આ કામગીરી માટે આરોગ્ય શાખા જીલ્લા પંચાયત મોરબીના આર સી એચ અધિકારી ડો વિપુલ કારોલીયાએ દરેક તાલુકા હેલ્થ ઓફિસરો સાથે સંકલનમાં રહીને સદ્યન પ્રયાસો કર્યા છે અને વાવાઝોડાના સમય દરમિયાન ડીલેવરીની તારીખ આવતી હોય અને સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં હોય અને સ્થળાંતર કરવાના બાકી હોય તેને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવા પણ મુખ્ય આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવ્યું છે

(11:28 am IST)