સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th November 2019

પત્‍નીની સારવાર માટે અમદાવાદ ગયેલા જુનાગઢના વેપારીના મકાનમાંથી રૂા. ૮.૯૦ લાખની મત્તાની ચોરી

અગાસીનો દરવાજો ખોલી બીજા માળનાં રૂમમાંથી હાથફેરો

જુનાગઢ તા. ૭ :.. પત્‍નીની સારવાર માટે અમદાવાદ ગયેલા જૂનાગઢનાં વેપારીનાં બંધ મકાનમાંથી તસ્‍કરો રૂા. ૮.૯૦ લાખની માલમતાની ચોરી કરીને નાસી જતાં સનસની ફેલાઇ ગઇ છે.

જૂનાગઢમાં નવા નાગરવાળા શેરી નં. ર, વણઝારા ચોક પાસે હરસિધ્‍ધિ કૃપા નામના બે માળનાં મકાનમાં રહેતા લોહાણા વેપારી દિપકભાઇ કાંતીભાઇ કારીયા (ઉ.પ૪) નાં પત્‍ની ગીતાબેનના ફેફસાની સારવાર માટે પરિવાર સાથે અમદાવાદ ગયા હતાં.

ત્‍યારે તા. પ-૧૧ થી ગત રાત્રી સુધી બંધ રહેલા મકાનમાંથી તસ્‍કરો કળા કરી ગયા હતાં.

આ લોહાાણા પરિવાર ગત રાત્રીના ૧૧ વાગ્‍યાની આસપાસ અમદાવાદ થી પરત થતાં મકાનમાં ચોરી થઇ હોવાનું માલુમ પડયુ હતું.

આ અંગે પોલીસને જાણ કરાતાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, બી. ડીવીઝનના પી. આઇ. આર. બી. સોલંકી વગેરે દોડી ગયા હતાં.

દિપકભાઇના બે માળનાં મકાનની અગાસીનો દરવાજો ખોલી તસ્‍કરો ઉપરનાં માળનાં રૂમમાં પ્રવેશ્‍યા હતાં. અને કબાટનો લોક તોડી તેમાંથી રૂા. ૬.૯૦ લાખની રોકડ રકમ તેમજ સોનાના ચેન, વીંટી વગેરે ર૦ વર્ષ જુના રૂા. બે લાખનાં દાગીના મળી કુલ રૂા. ૮.૯૦ લાખની માલમતાનો હાથફેરો કરી તસ્‍કરો પોબારા ભણી ગયા હતાં.

મોડી રાત્રે બી. ડીવીઝન પોલીસે ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી. આઇ. આર. બી. સોલંકી ચલાવી રહ્યા છે.

(11:24 am IST)