સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

જામવાડા રોડ પર રાત્રે એક સાથે ૧૩ સિંહો જોવા મળ્યાં

વિડિયો વાઈરલ થતાં સિંહ પ્રેમીમાં ખુશીનું મોજુ : જંગલોમાં મચ્છરોનો ઉપદ્રવ રહેતો હોવાથી સિંહો ખુલ્લા વિસ્તારોમાં રહેવાનું વધુ પસંદ કરે છે : નિષ્ણાતોનો મત

અમદાવાદ, તા.૭ : ગીર ગઢડાનાં જામવાડા રોડ પર ગતરાત્રે ૧૩ સિંહોનું ટોળું એક સાથે જોવા મળ્યું હતું. જેનો વીડિયો રસ્તા પરથી પસાર થતાં લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. એક સાથે ૧૩ સિંહોને ટોળામાં જોઇને સિંહ પ્રેમીઓ અને વન્ય પ્રેમીઓમાં ભારે ખુશીની લાગણી પણ છવાઇ છે. અમરેલી, ગીર સહિતના પંથકોમાં અવારનવાર સિંહો તેમના પરિવાર સાથે કે ટોળામાં અવારનવાર જોવા મળતા હોય છે.

તાજેતરમાં જ એકસાથે ૧૮ સિંહોના ટોળા આ જ પ્રકારે અમરેલી પંથકમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ હવે ગીરગઢડાના જામવાડા રોડ પર ગઇ મોડી રાત્રે ૧૩ સિંહો એકસાથે લટાર મારવા નીકળી પડયા હતા. સિંહોની આંખો અંધારામાં લાઇટની જેમ ઝગારા મારતી હતી. ૧૩ સિંહોના ટોળાને કોઇએ કેમેરામાં કંડારી લીધુ હતુ અને તેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જેને લોકોએ ખૂબ જ લાઇક કરી વધુમાં વધુ શેર કર્યો હતો. બીજીબાજુ, એકસાથે ૧૩ સિંહોના ટોળાને જોઇને સિંહ પ્રેમીઓ અને વન્ય પ્રેમીઓમાં પણ ખુશીની લાગણી પ્રસરી હતી. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુ દરમિયાન જંગલવિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ રહેતો હોવાથી સિંહોખુલ્લા વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરતાં હોય છે. કેટલીક વાર પાણી કે શિકારની શોધમાં ભૂખ્યા સિંહ શહેરી કે ગ્રામ્ય વસ્તી સુધી પણ પહોંચી જતા હોય છે.

(8:46 pm IST)