સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

ચોટીલાના જીવાપરમાં સરપંચના પતિની હત્યા કરનાર વાડીમાં બાજરીના પાકમાં છુપાતા ઝડપાયો

વઢવાણ તા. ૦૭: જીવાપર ગામે ચાલુ ગરબીએ લોકોની હાજરી વચ્ચે સરા જાહેરમાં ગામ આગેવાન અને મહિલા સરપંચના પતિ ભરત ભનુભાઇ પરાલીયાની તેનાજ કૌટુંબિક ભાઇ રાજેશ ઉર્ફે રાજુ ગોવિંદભાઈ પરાલીયા એ દેશી હાથ બનાવટની ભરી બંદુકમાંથી  જાહેરમાં ભડકો કરી હત્યા નિપજાવી નાસી છૂટયો હતો મોલડી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા સંદર્ભે પુરાવાઓ એકત્ર કરી હત્યારા અંગે શોધખોળ હાથ ધરી હતી.

ગત રાત્રીનાં બાતમીના આારે પોલીસે હત્યારાની વાડી કોર્ડન કરી છાપો મારતા બાજરી વચ્ચે હત્યામાં વપરાયેલ હથીયાર તેમજ ફાયરીંગ માટેનાં છરા, દારૂગોળો સહિતનાં સામાન અને તલવાર સાથે ઝડપાઇ ગયો છે. સામાન્ય બોલચાલને કારણે જુના મનદુઃખને કારણે આ હત્યાનો બનાવ બન્યો હોવાનું ફરીયાદમાં નોંધાયેલ છે ત્યારે સાચુ કારણ અને વધુ હકિકત રીમાન્ડ દરમિયાન બહાર આવવાની શક્યતા છે.

નાનકડા ગામમાં સરેઆમ ફાયરિંગ કરી હત્યાનાં બનાવે હાહાકાર મચાવેલ છે તેમજ ગરબીમાં નાટીકા ભજવાઇ રહેલ અને આરોપી હથિયાર સાથે આવે છે લોકો કંઇ સમજે તે પહેલાજ ભડાકો થાય છે અને નાસભાગ મચે છે તેવો વિડીયો વાયરલ થયા બાદ હત્યારો ઝડપાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધોે છે વધુ તપાસ મોલડી પીએસઆઇ પી. બી. મકવાણાએ હાથ ધરી છે..

(4:02 pm IST)