સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

સાયલાના ૩૨ લાખના દારૂના કેસમાં વોન્ટેડ આરોપી હનીફ ભટ્ટી પકડાયો

રેન્જ આઈજીના નાસતા ફરતા સ્કવોડે સુરેન્દ્રનગરમાંથી દબોચી લીધો

રાજકોટ, તા. ૭ :. સાયલા પોલીસ મથકના ૩૨ લાખના ઈંગ્લીશ દારૂના કેસમાં વોન્ટેડ આરોપીને સુરેન્દ્રનગરમાંથી રેન્જ આઈ.જી.ના નાસતા ફરતા સ્કવોડે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ સાયલા પોલીસ મથકના ૩૨ લાખના દારૂ પ્રકરણમાં ૯ માસથી વોન્ટેડ આરોપી હનીફ ગફુરભાઈ ભટ્ટ (રહે રતનપર-સુરેન્દ્રનગર) સુરેન્દ્રનગરમાં આવ્યો હોવાની બાતમી મળતા રેન્જ ડીઆઈજી પી. સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ રેન્જના નાસતા ફરતા સ્કવોડના પી.એસ.આઈ. જાવીદભાઈ ડેલા, હેડ કોન્સ. મદારસિંહ મોરી, ભગવાનભાઈ ખટાણા તથા મહાવરસિંહ પરમાર સહિતના સ્ટાફે વોચ ગોઠવી સુરેન્દ્રનગર નવા સર્કિટ હાઉસ પાસેથી દબોચી લઈ જોરાવરનગર પોલીસને હવાલે કર્યો હતો.

સાયલા પોલીસ મથકમાં ૯ માસ પૂર્વે ૩૨ લાખનો દારૂ, ટેન્કર, કાર મળી કુલ ૫૬ લાખનો મુદ્દામાલ પકડાયો હતો. આ કેસમાં પકડાયેલ આરોપી હનીફ ભટ્ટી નાસતો ફરતો હતો.

(3:51 pm IST)