સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

મોરબીમાં પ્રાચીન-અર્વાચીન રાસોત્સવમાં સેવા પ્રકલ્પો ખીલી ઉઠયા

માતાજીના નવલા નોરતા આજે ભકિતભાવથી સંપન્ન થશેઃ પ્રથમ નોરતે વરસાદનું વિધ્ન નડતા દશેરાએ પણ ગરબા યોજાશે

મોરબી તા. ૭ :.. માતા નવદુર્ગાના નવલા નોરતા તો માના ગુણગાન ગાતા માઇભકતો અને રાસેરમવા સાથે મા જગદંબાના ગરબા ગાતી મા જગદંબા સ્વરૂપની દિકરીઓના મન કેમ પસાર થઇ ગયા તે ખબર પણ ન રહી.

કલાનગરી મોરબીમાં આજના સમયમાં પણ તમામે તમામ વિસ્તારમાં પ્રાચીન ગરબીઓ યોજાઇ અને રાત્રીના સમયે ધુપના ધુમાડે અને મા ના ગુણગાન ગાવા સાથે ખરેખર ૬૪ જોગણીયુ. મા નવદુર્ગા રાસે રમવા ઉતર્યા હોય તેવા સાક્ષાત ચાંચર ચોકની અનુભૂતિઓ માઇ ભકતોએ કરી. અને મા ના ગુણગાન ગાતા, માઇભકિતમાં એવા તે લીન બની ગયા કે નવ-નવ નોરતા આજે પુરા થયા પણ ખબર પણ ના પડી, જાણે સ્વપ્ન આવ્યું અને ગયું...!!

કલાનગરી મોરબીમાં પ્રાચીન ગરબીઓ સાથે અર્વાચીન રાસોત્સવોએ પણ ખેલૈયાઓને એવું તે ઘેલું લગાડયું કે, અંધારા જમીન પર ઉતરે કે તેમના કદમ પણ રાસેરમયાની દિશા તરફ મંડાઇ જાય, બસ પછી તો મનભરીને રાસની રમઝટ, જાણે કાંઇ નો ઘટે....!!

મોરબી અર્વાચીન રાસોત્સવના ત્રણ જગ્યાએ ભવ્ય, દિવ્ય આયોજનો કરવામાં આવ્યા જેમાં પાટીદાર નવરાત્રી મહોત્સવ કે જે નવરાત્રીનો ઉદેશ એટલો બધો ઉંચો અને પવિત્ર છે., જાણે કે કોઇ મહાયજ્ઞ સમાન પાટીદાર નવરાત્રી મહોત્સવમાં વધી ધન રાશીએ ગૌશાળામાં ગાયો માટે અને આર્થિક રીતે નબળા પણ હોશિયાર વિદ્યાર્થીઓને માટે વિદ્યા સહાયમાં વપરાય છે. આ આયોજનના અગ્રણી અજયભાઇ લોરીયા અને ગ્રુપ દ્વારા ગત વર્ષ રૂ. ૩૭ લાખના વધારામાંથી ર૧ લાખ ગાયો માટે અને બાકીના રૂ. ૧૬ લાખ વિદ્યાર્થીઓને વિદ્યા સહાય માટે ગત આઠમની રાત્રે જ અર્પણ કરી દીધા હતાં.

યુવા અગ્રણી અજયભાઇ લોરીયા દ્વારા ઉરીના શહીદોના પરિવારોને તેમના ઘેર પહોંચી તેમને હાથો હાથ સહાય કરવાનું પણ ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. અને તે આંક પણ લાખો રૂ. માં છે.

આ નવરાત્રી મહોત્સવમાં સુપ્રસિધ્ધ ગાયક કિર્તીદાન ગઢવી સહિત ગાયકવૃંદ, ઇન્ડીયન આઇડોલ વીનર સલમાન અલીએ ખેલૈયાઓને અનેરૃં ઘેલું લગાડયું અને આજે  રાત્રે ઇન્ડીયન આઇડોલ રનરઅપ નિતીનકુમાર પણ વધારાની જમાવટ કરશે.

બીજુ અર્વાચીન રાસોત્સવનું આયોજન એટલે યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા આયોજીત સંકલ્પ નવરાત્રી મહોત્સવ છેલ્લા ૧ર-૧ર વર્ષથી આ આયોજન પણ ખેલૈયાઓની પસંદગીનું આયોજન બની ગયું છે.

સામાજીક, સેવાકીય, દેશભકિતને ઉજાગર કરતી સંસ્થા યંગ ઇન્ડીયા ગ્રુપના સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન - અર્વાચીન ગરબા સાથે, દેશભકિતના ગીતો, નરસિંહ - મીરાના પદ, વૈષ્ણવ વજન તો તેને કહીએ પણ કાને અથડાય અને આજની પેઢીને આપણી અસ્મિતા યાદ કરાવે. આ નવરાત્રી મહોત્સવમાં તમામ જ્ઞાતિ સમાજના લોકો એક પારિવારીક અને સલામતી ભર્યા વાતાવરણમાં મોડી રાત્રી સુધી ગરબે ધુમતા જોવા મળે.

સ્ત્રી દાક્ષિણ્યની ભાવનાને વરેલા, મહિલા ઉત્પાનની દિશામાં પણ કામ કરતા આ આયોજનના આયોજક અને યંગ ઇન્ડીયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઇ રબારી દ્વારા નવરાત્રી પૂર્વે બહેનો-દિકરીઓ માટે તદન નિઃશુલ્ક રમવા માટેની જાહેરાત કર્યાના પગલે ત્રણ હજારથી પણ વધારે બહેનો આજે આ રાસોત્સવમાં  મનભરી ગરબે રમી રહી છે, માના ગુણગાન ગાવા સાથે એક અનન્ય સાતત્યપૂર્ણ આનંદની અનુભૂતિ કરી રહી છે. અહીં રમવા આવતી દિકરીઓ-બહેનો માટે નિઃશુલ્ક ચણીયા ચોલી પણ સંસ્થા દ્વારા આપવામાં આવે છે.

વૃદ્ધાશ્રમના વડીલો હોય કે વિકાસ વિદ્યાલયની બાળાઓ, પછાત વિસ્તારના બાળકો હોય કે પરિવારોએ તમામને યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા આ રાસોત્સવમાં રમવા તેડી આવવાથી માંડી પરત મૂકી આવવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. મોરબી પંથકના અનેક-અનેક પરિવારો માટે આ સંકલ્પ પોતીકુ આયોજન બની ચૂકયું છે.

ત્રીજુ ભવ્ય અને દિવ્ય આયોજન અકલી શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ આ આયોજન પણ ખૂબ લોકપ્રિય છે. જયાં ખેલૈયાઓ સંગીતના-ગીતના સથવારે મનભરી રાસની રમવાની રંગ માણે છે. આયોજકોની યુવા ટીમ સુંદર વ્યવસ્થા જાળે છે અને ગાયકો પણ પોતાની ગાયકી દ્વારા વાતાવરણને ગરબામયી બનાવી દે છે. મોરબીમાં વસવાટ કરતા ચાઇનીઝ લોકોને પણ રાસનો ચસ્કો મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ 'માં' ગરબી મંડળ એ આજે સામાકાંઠા વિસ્તારનું આયોજન બની ચૂકયું છે. અહીંના આયોજકો જયરાજસિંહ જાડેજા અને ગ્રુપ દ્વારા આ ફ્રિસ્ટાઇલ રાસે રમવાનું આયોજન કરવામાં આવે છે અને તે તમામ ખેલૈયાઓ માટે નિઃશુલ્ક કરવામાં આવે છે.  નાની નાની બાળાઓ અને યુવતિઓ દ્વારા એક એકથી ચઢીયાતા રાસો રમાય છે અને તે જોવા માનવમહેરામણ ઉમટી પડે છે.

ગઇકાલે અહીંયા તલવાર રાસનું અદભૂત આયોજન કરવામાં આવ્યું હતું જે જોવા લોકો કીડીયારાની માફક ઉમટી પડયા હતાં અને જોનારાના 'મો'માંથી વાહ વાહ જેવા ઉદ્ગાર નીકળી પડયા હતાં. સુધરાઇ સભ્ય અને મા ગરબીના મુખ્ય સંચાલક જયરાજસિંહ જાડેજા, તેમના બંધુઓ તેમજ આયોજક ગ્રુપના સાથી મિત્રો દ્વારા સુંદર વ્યવસ્થા જાળવવામાં આવે છે.

વાત કરીએ પ્રાચીન ગરબીઓની તો મોરબીમાં અનેક જગ્યાએ પ્રાંચીન ગરબીઓ યોજાય છે અને હોંશે હોંશે બાળાઓ પુરૂષો રાસની રંગત જમાવવા સાથે માતાજીના ગુણગાન ગાય છે.  છેલ્લા ૩૭ વર્ષથી મોરબીના મુસ્લિમ વિસ્તાર એવા ખાટકીવાસ, શકિત ચોકમાં અર્વાચીનના સમન્વય સાથે વણી લઇ પ્રાચીન રાસગરબીનું આયોજન થાય છે. અગ્રણી ક્રિપાલસિંહ ઝાલા અને ગ્રુપ દ્વારા આયોજીત આ ગરબીમંડળ મોરબીવાસીઓની પ્રથમ હરોળના પ્રાચીન ગરબી આયોજનમાં આવે છે. અહીં બાળકો દ્વારા તલવાર દ્વારા, બન્દીશરાશ, માંડી તારા અઘોર નગારા, ટીપ્પણી રાસ જેવા ૪૪થી પણ વધારે રાસ નવરાત્રી દરમિયાન રજુ કરવામાં આવે છે અને જોનારાના પગ ત્યાંના ત્યાંજ થંભી જાય છે. આ ગરબીમાં હિન્દુ-મુસ્લિમ બાળાઓ સાથે ગરબે ઘુમી કોમી એલખાસનું એક ઉતમ ઉદાહરણ પુરૂ પાડે છે.  તો વર્ષોથી યોજાતી પરષોતમ ચોકની પ્રાચીન ગરબી પણ હજારો લોકોના આસ્થાના કેન્દ્ર સમાન છે. ૪૦ વર્ષથી આ ગરબી યોજાય છે. આ વખતે ૧૧૦ દિકરીઓમાં રર થી વધારે તો મુસ્લિમ સમાજની દિકરીઓ ગરબા લઇ રહી છે અને આરતી પણ આ મુસ્લિમ દિકરીઓના હસ્તે કરવામાં આવે છે. ગરબે રમતી બાળાઓ પાસે કોઇપણ જાતની ફી લેવામાં આવતી નથી. દરરોજ આઇસ્ક્રીમ નાસ્તો અને દશેરાના દિવસે બાળાઓને લાણી કરવામાં આવે છે. પ્રમુખ મહિપતસિંહ લાલુભા જાડેજા અને સભ્યો જીતુભા જાડેજા, રઘુવીરસિંહ કે. ઝાલા, સિદીકભાઇ કાદરભાઇ મિંયાણા, મહમદભાઇ ઇશાભાઇ, ભુપેન્દ્રસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, જયદીપસિંહ ઝાલા, કાનાભાઇ રાવળદેવ, સાગરભાઇ ભીલરાણા સહિતના હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ સેવાઓ આપી રહ્યા છે.  મંગલભુવન ખાતે યોજાતી પ્રાચીન ગરબીએ પણ અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. આ ઉપરાંત મોચી ચોક, દરબારગઢ, સીટી પોલીસ લાઇન, અયોધ્યાપુરી મેઇન રોડ, ગાંધી ચોક, વાઘપરા, વજેપર સહિત વર્ષોથી સોસાયટી-પરા વિસ્તારમાં યોજાતી પ્રાચીન ગરબીઓમાં રાત્રે ગરબાની રમઝટ બોલે છે અને લોકો મોડી રાત સુધી એકથી બીજી ગરબી જોવા નીકળી પડે છે.

મોરબી તાલુકા પોલીસ લાઇન ખાતે પણ દિવ્ય આયોજન પ્રાચીન ગરબીનું કરવામાં આવે છે અને આ વખતે પણ પોલીસ લાઇનની બહેનો હોંશે હોંશે માના ગરબા લ્યે છે અને આ વખતે તો મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા પણ ગરબે ઘુમતા નજર આવી રહ્યા છે. મોરબીની અનેક ગરબીઓમાં હિન્દુ-મુસ્લિમ બાળાઓ સાથે સાથે માતાજીના ગરબે રમતી જોવા મળે છે.

પ્રથમ નોરતાના દિવસે વરસાદી વિધ્ન વચ્ચે નોરતું મુલતવી રાખવામાં આવ્યું હતું અને પાટીદાર નવરાત્રી મહોત્સવ, સંકલ્પ નવરાત્રી મહોત્સવ દ્વારા ખેલૈયઓ માટે દશેરાનો એક દિવસ વધારી આપવાની કરવામાં આવેલ જાહેરાતના પગલે બન્ને અર્વાચીન દાંડીયા રાસમાં આવતી કાલે પણ ખેલૈયાઓને મનભરીને રમાડાશે.

(1:13 pm IST)