સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

બીએસએફના સર્ચ ઓપરેશન દરમ્યાન લક્કી ક્રિક પાસે વધુ બે ડ્રગ્સના પેકેટ મળ્યા- તો ઝડપાયેલી બે પાકિસ્તાની બોટમાંથી ૬ આઈકાર્ડ મળ્યા

(ભુજ) કચ્છના દરિયાઈ અને ક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ બીએસએફને સર્ચ ઓપરેશન દરમ્યાન મહત્વની સફળતા મળી છે. રવિવારે લક્કી ક્રિક પાસેથી મળી આવેલ ડ્રગ્સના એક બિનવારસુ પેકેટ પછી આજે વધુ બે બિનવારસુ પેકેટ મળી આવ્યા છે. જેને પગલે મળી આવેલ ડ્રગ્સના ત્રણ પેકેટની કિંમતનો આંક ૧૫ કરોડ જેટલો થવાનો અંદાજ છે. આ ઉપરાંત શનિવારે રાત્રે બીએસએફે લક્ષમણ ક્રિક પાસેથી ઝડપેલી બે બિનવારસુ પાકિસ્તાની બોટનું સર્ચઓપરેશન હાથ ધરતા તેમાંથી ૬ પાકિસ્તાનીઓના આઈ કાર્ડ મળી આવ્યા છે. જોકે, આ આઈકાર્ડ ફિશરમેન (માછીમાર) ના છે. પણ, ભૂતકાળમાં માછીમાર ના ઓઠા તળે પાકિસ્તાનીઓ દ્વારા ઘૂસણખોરીના બનાવો બની ચુક્યા છે. દિલ્હી અને ભારતના અન્ય સ્થળોએ અપાયેલા રેડ એલર્ટ વચ્ચે બિનવારસુ બોટ અને તેમાંથી નાસી છૂટેલા ૬ પાકિસ્તાનીઓના બનાવને સુરક્ષા એજન્સીઓ ગંભીરતાપૂર્વક લઈ રહી છે. હાલે બે દિવસથી કચ્છની જળસીમાએ સર્ચઓપરેશનને સઘન બનાવાયું છે.

(12:55 pm IST)