સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

વાંકાનેરના જીનપરાની ગરબીમાં ધર્મભકિત સાથે દેશભકિતના દર્શન

 વાંકાનેર તા. ૭ :.. વાંકાનેરમાં નવરાત્રી મહોત્સવની ઠેકઠેકાણે ઉજવણી થઇ રહી છે શહેરની જુદી જુદી ગરબીમાં પ્રાચીન રાસ- સાથે માતાજીની પૂજા-આરાધના કરવામાં આવી રહી છે. ત્યારે વાંકાનેરના જીનપરા ગરબી મંડળમાં છેલ્લા વીસેક વર્ષથી બેડા ગરબા ગવાતા હતા પરંતુ આ વર્ષ જીનપરાના યુવાનોએ આ ગરબી મંડળને ફરી જોરશોરથી ધમધમતુ કર્યુ છે અને અહીં વર્ષો પહેલા પુરૂષો - યુવાનો જે રીતે રાસ-ગરબા રમી માતાજીની ભકિત કરતા તેનાથી પણ વિશેષ રીતે યુવાનોના ગ્રુપે વાંકાનેરના નગરજનોને રાસ-ગરબા સાથે દેશભકિત-રાષ્ટ્રભકિતની પ્રસ્તુતી નિહાળવાનો લાભ આપ્યો છે.

જીનપરા ચોક વચ્ચે જ યોજાતી આ ગરબીમાં પ્રાચીન રાસ-ગરબા સાથે ભાતીગળ પોસાક એવા ચોયણી-કેળીયા-બંડી ધારણ કરી યુવાનો દ્વારા માતાજીની ભકિત સાથે 'કેળીયા રાસ'ની રમઝટ બોલાવી રહ્યા છે. આ ગરબીમાં રાસ-ગરબા નિહાળવા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

જીનપરા ગરબી મંડળમાં નવા જોમ અને જુસ્સા સાથે આ વર્ષથી કંઇક વિશેષ કરવાની નેમ સાથે શરૂ થયેલ ગરબાની સાથે દેશભકિત-રાષ્ટ્રભકિતના દર્શન પણ અહી જોવા મળે છે.

આ ગરબીમાં પૂ. ગાંધીજીના ૧પ૦મી જન્મ જયંતિએ વિશેષ્ટ કાર્યક્રમ અંતર્ગત 'ભારત માતા'નું પાત્ર ગરબી મંડળમાં નાની બાળાએ ભજવેલ ત્યારે ગરબીના સદસ્યોએ કેશરી પટ્ટા ગળે બાંધ્યા તો રાસની રમઝટ બોલાવતાં યુવાનોએ ભાતીગળ વસ્ત્રો સાથે માથે ત્રિરંગા પટ્ટ બાંધી દેશભકિત સાથે ભાવવંદના કરી રાસ રજૂ કરેલ.

આ વિશીષ્ટ કાર્યક્રમમાં વાંકાનેર ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણી, દીનુભાઇ વ્યાસ, ગાયત્રી શકિત પીઠના સર્વેસર્વા અશ્વીનભાઇ રાવલ સહિતના જુદા જુદા ક્ષેત્રના અગ્રણીઓ, દરેક જ્ઞાતિના અગ્રણીઓ, પત્રકારો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જીનપરાના જુવાનીયાઓના ગ્રુપની મહેનતને બીરદાવી હતી.

(12:14 pm IST)