સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

ગીર ગાય પછી હવે કંઠી, રાવરી, અરવલ્લી ગોવંશની રક્ષા માટે સંકલ્પ જળક્રાંતિ ગોક્રાંતિ વાળા મનસુખભાઇ સુહાગીયા દ્વારા નવુ અભિયાન

રાજકોટ તા. ૭ : ઇ.સી. ૨૦૦૦ માં માત્ર પ હજાર ગીર ગાયો અને ૨૦ હજાર કાંકરેજ ગાયો બચી હતી. આવા સમયેજળક્રાંતિ ગીર ગાય ક્રાંતિના પ્રણેતા મનસુખભાઇ સુવાગીયાએ ગીર ગાય આપણે આંગણે અને કાંકરેજ ગાય આપણા આંગણે સુત્ર આપી ૧૦ લાખ જાતવાન ગીર અને ૧૧ લાખ જાતવાન કાંકરેજ ગાય નિર્માણનો સંકલ્પ કર્યો. આ અભિયાનની સફળતારૂપે આજે બે લાખ   ગીર ગાયો અને એક લાખ કાંકરેજ ગાયો  છે. જાગૃતિ અભિયાનના કારણે મફતમાં મળતી ગીર કાંકરજે ગાયનું મુલ્યે પ૦ હજારથી બે લાખ થયુ છે. ગાયના દુધ-ઘી નું મુલ્ય સોના જેવુ થયુ.

બસ આજ રીતે ગીર-કાંકરેજની ગોક્રાંતિ બાદ જળક્રાંતિ ટ્રસ્ટના મનસુખભાઇ સુવાગીયાએ હવે કંઠી, રાવરી, અરવલ્લી ગોવંશની રક્ષા માટેનું અભિયાન શરૂ કર્યુ છે.

કચ્છ મુંદ્રા- માંડવીના દરીયા કિનારાના મૂળ દેશી એવી કંઠી ગોવંશનોનો રંગ સફેદ, મુંજડો અને કાળો હોય છે. કોઇ ગોવંશમાં માંકડો રંગ જોવા મળે છે. ટુંકી શીંગડી, ચુસ્ત શરીર, પાતળા પગ અને ચૂસ્ત આઉ-આંચળ હોય છે. કદ ગીર અને કાંકરેજ ગોવંશથી નાનુ હોય છે. એટલે ગીર કાંકરજેથી ૭૦ ટકા આહારમાં દૈનિક ૧૨ થી ૧૬ લીટર દુધ અને વેતરનું ૨૫૦૦ થી ૩૦૦૦ લીટર દુધ આપે છે. સુકા દિવસો અલ્પ હોય છે એન પુનઃ વિયાણ સુધી દુધ આપે છે. એક કંઠી ગાય રૂ.૫૧૦૦૦ માં ખરીદીને જળક્રાંતિ ટ્રસ્ટે દિપકભાઇ પટેલ નર્મદા ગૌશાળા ખંભરાને ભેટ આપી છે. જયાં કંઠી ગોવંશની સંવર્ધન ગૌશાળા સ્થપાશે.

રાવરી ગોવંશ ભુજના નખત્રાણા પ્રદેશનો ગણાય છે. તેનો રંગ સફેદ, મુંજડો અને દેખાવ તથા કદ કાંકરેજને મળતા આવે છે. શીંગ થોડા પાતળા, સપાટ કપાળ, લાંબુ મુખ અને કાંકરેજથી શાંત સ્વભાવ છે. દૈનિક ૧૨ થી ૨૦ લીટર અને વેતર ૩૦૫ દિવસનું હોય છે.

અરવલ્લી ગોવંશ અરવલ્લી પર્વત માળા પ્રદેશનો છે. રાજસ્થાનનો શિરોહી અને ગુજરાતનો અંબાજી દાંતા વિસ્તાર મુળ દેશ ગોવૈશનું કદ કાંકરેજ ગોવંશ જેવડું જ હોય છે. પાતળા અણિદાર શીંગ શાંત સ્વભાવ, ચુસ્ત આઉ છે. સફેદ અને મુંજડો (સાયો) રંગ ધરાવે છે. ઘણી ગાયોના કપાળમાં મોટુ ટીલું હોય છે. આ ગોવંશ માત્ર ગૌચર-ખેતરોમાં ચરીને દૈનિક ૧૦ થી ૧૬ લીટર દુધ આપે છે . આબુ પર્વતના ૧ હજાર ફુટ ઉંચા પહાડો પર જઇ ઘાસ ચરી આવે છે.

રાજય સરકાર અને ભારત સરકારે આ ગોવંશની આજ સુધી નોંધણી થયેલ નથી. જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક ગોપાલકો કિસાનો ગોસેવકોને આ ગોવંશની ઉપયોગીતા સમજાવીને તેના પાલન સંવર્ધનની પ્રેરણા અપાઇ રહી છે. લુપ્ત થતા ગોવંશને બચાવી ભારતના નકશામાં મુકવા જળક્રાંતિ ટ્રસ્ટના મનસુખભાઇ સુવાગીયા (ફોન ૦૨૮૧, ૨૫૨૫૦૯) એ અનુરોધ કરેલ છે.

(12:12 pm IST)