ધોરાજી ખાતે સફાઇ અને આરોગ્ય પ્રશ્ને ચાલતુ ઉપવાસ આંદોલન
ધોરાજી તા.૦૭: ૅં ધોરાજી પંથકમાં ડેંગ્યુ અને રોગચાળાએ ભરડો લીધો છે. ત્યારે માજી સૈનિક ગંભીરસિંહ વાળા અને વિઠ્ઠલ ભાઈ હિરપરા દ્વારા નઘરોળ તંત્રને જગાડવા અને શહેરને ગંદકી તથા બીમારી મુકત કરવા ના પ્રયાસરૂપે ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે.
ઉપવાસ આંદોલન ના ચોથા દિવસે ઉપવાસી છાવણી પર માજી સૈનિકો દશરથસિંહ ઝાલા સહિત રિટાયર્ડ આર્મીમેન તેમજ જિલ્લા અગ્રણી અને એગ્રીકલ્ચર વિભાગના મોભી જે. ડી. બાલધા,સામાજિક કાર્યકર આરીફભાઈ ભેંસાણીયા,અશોકભાઈ સૌંદરવા સહિત નગરજનો ઉપવાસ આંદોલન માં પ્રતીક ધરણા પર જોડાઈ આંદોલનકારીઓ ને સમર્થન આપ્યું હતું.
આ તકે જે. ડી. બાલધા અને ઉપવાસીઓ એ જણાવેલકે શહેરમાં અને તાલુકા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ડેન્ગ્યુના રોગએ ભરડો લીધો છે. શહેરમાં સ્વચ્છતા પરત્વે તંત્ર નિષ્ફળ રહ્યું છે. અને રોગચાળા પર કાબુ મેળવવામાં આરોગ્ય વિભાગની ઉદાસીનતા ને કારણે ડેંગ્યુ ના રોગમાં બે બે યુવા જિંદગી મોતના ખપ્પરમાં હોમાઈ ગઈ છે.
અનેક લોકો આ રોગનો શિકાર બની રહ્યા છે. દર્દીઓથી હોસ્પિટલો, દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે. તેમ છતાં તંત્ર કોઈ પ્રકારના એકશન લઈ રહ્યું નથી. ડેંગ્યુ હોય કે વાયરલ રોગચાળો શહેરનું એકપણ ઘર બાકાત રહ્યું નથી. છતાં તંત્ર હજુ લાપરવાહી વર્તી રહ્યું છે.
આવા જાડી ચામડીના તંત્રને જગાડવાના અમારા પ્રયાસમાં શહેરની સામાજિક સંસ્થાઓ,મંડળો, અને શહેરીજનો જોડાઈ તેવી અપીલ કરી હતી.