સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

કરોડોના ડ્રગ્સ સાથે કચ્છમાં ઝડપાયેલા ૬ પાકિસ્તાની ડ્રગ પેડલરો સામે ફોજદારી ફરિયાદ

અલમદીના બોટમાં જખૌ ઓખા વચ્ચે મે મહિનામાં ડીઆરઆઈ કોસ્ટગાર્ડે ૬૦૦ કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપી હતી

ભુજ,તા.૭: ભારતમાં મોટા પાયે ડ્રગ્સ ઘુસાડી નવી યુવા પેઢીને નશાના રવાડે ચડાવવાનું એક મોટું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. ઉડતા પંજાબ પછી ડ્રગ પેડલરોએ ડ્રગ્સ ઘુસાડવા માટે કચ્છ સૌરાષ્ટ્રના દરિયા કિનારા મારફત ગુજરાતને હવે ઉડતા ગુજરાત બનાવવાનું શરૂ કર્યું છે. પૂર્વ બાતમીને આધારે ગત મે મહિનામાં ડીઆરઆઈએ કોસ્ટગાર્ડની મદદથી જખૌ ઓખાના દરિયાઇ વિસ્તારમાંથી ૬૦૦ કરોડના ડ્રગ્સ સાથે અલમદીના બોટ સાથે ૬ પાકિસ્તાનીઓને ઝડપી પાડ્યા હતા. આ ડ્રગ પેડલરો ગુજરાતના દરિયા મારફત ગુજરાત અને મુંબઈ તરફ ડ્રગ દ્યુસાડવાની પેરવીમાં હતા.

જોકે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ તેમને ઝડપ્યા ત્યારે તેમણે ડ્રગ્સના અનેક પેકેટ દરિયામાં પણ ફેંકી દીધા હતા. આ છ એ છ પાકિસ્તાનીઓ વિરુદ્ઘ કચ્છના નારાયણસરોવર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે. ડીઆરઆઈના સીનીયર ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રવણરાજે પાકિસ્તાનીઓ સફદરઅલી અલવારીયું શેખ, અલ્લાહદાદ અલ્લાબક્ષ, અબ્દુલ અઝીઝ મોહમદ જુમા, અબ્દુલગફુર ઓસમાણ બલોચ, અઝીમખાન ઓસમાણ બલોચ, મોહમદમલ્લાહ સના મોહમદ સામે વિવિધ કલમો તળે ફરિયાદ નોંધી છે.

ગત ૨૧/૫ ના ઝડપાયેલા આ પાકિસ્તાની ડ્રગ પેડરલો સામે પાસપોર્ટ વિઝા વિના ભારતીય જળસીમામાં દ્યૂસણખોરી, સહિત કલમ ૩, ૬ ફોરેન એકટની કલમ ૧૩(બી), ૧૪ (એ), (બી) તળે ગુનો નોંધીને નારાયણસરોવર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(12:07 pm IST)