સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

વિંછીયા : નદીમાં ડૂબી ગયેલ યુવાનના પરિવારજનોને સહાય ચુકવવા રજૂઆત

વિંછીયા તા.૭ : તાલુકાના મોટી લાખાવાડ ગામે તાજેતરમાં ડૂબી ગયેલા મૃતક યુવાનના પરિજનોને આર્થિક સહાય આપવા તથા મોટી લાખાવાડ ગામમાં પુલ બનાવવા કોળી વિકાસ સંગઠનના પ્રમુખ એ કેબીનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયા અને જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

કોળી વિકાસ સંગઠનના પ્રમુખ મુકેશભાઇ રાજપરાએ રજૂઆતમાં જણાવ્યા મુજબ માલઢોર માટે ઘાસચારો લેવા ગયેલ લાખાવાડ ગામનો યુવાન પાણીમાં ડૂબી અકસ્માતે મૃત્યુ પામ્યો છે. જેના પરિવારજનોને તાકિદે આર્થિક સહાય આપવા તેમજ લાખાવાડ ગામની વચ્ચોવચ ભાદરનદી પસાર થતી હોય ચોમાસામાં અવારનવાર પૂરના સમયે અરધુ ગામમાં બાજુને અરધુ ગામ પેલી બાજુ હોય જીવના જોખમે નદી ટપીને જવુ પડે છે. જેને લીધે લોકોની કિંમતી જીંદગી જોખમાઇ છે.

જેને નિવારવા સરકારશ્રી વહેલી તકે મોટી લાખાવાડ ગામમાં પસાર થતી ભાદર નદી પર સત્વરે પુલ બનાવી આપે તેવી માંગ કરવામાં આવી છે.

(11:55 am IST)