સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

રોડ પરના ખાડાને કારણે સાઇડ ન આપી શકતાં માળીયા મિંયાણા પાસે જામકલ્યાણપુરના ટ્રકચાલકને છરીના ઘા

જામકલ્યાણપુરના મનોજ સોલંકીને પેટમાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયોરાજકોટ તા. ૭: દ્વારકાના જામકલ્યાણપુરમાં રહેતાં અને ટ્રક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં મનોજ ભોજાભાઇ સોલંકી (ઉ.૩૨) નામના ભરવાડ યુવાન પર તે સાંજે ટ્રક હંકારી મુંદ્રાથી મોરબી જઇ રહ્યો હતો ત્યારે માળીયા મિંયાણા પાસે અન્ય ટ્રકના ચાલક અને બાઇક પર આવેલા બે શખ્સોએ હુમલો કરી મારકુટ કરી પેટમાં છરીના ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે માળીયા પોલીસને જાણ કરી હતી. મનોજના કહેવા મુજબ પોતે ટ્રક હંકારી આગળ જતો હોઇ ત્યારે પાછળ બીજો ટ્રક આવતો હોઇ તેનો ચાલક સતત હોર્ન વગાડતો હતો. પણ રોડ પર ખાડા વધુ હોઇ પોતે સાઇડ આપી ન શકતાં થોડીવાર બાદ એ ટ્રકના ચાલકે ઓવરટેઇક કરી હતી અને ઝઘડો કર્યો હતો. એ પછી બીજા શખ્સોને બોલાવી પોતાના પર હુમલો કરાયો હતો. માળીયા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)