સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં દશેરાની ઉજવણીઃ રાવણ દહન-શસ્ત્રપૂજન

નવલા નોરતા આજે વિરામ લેશેઃ પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબાની રમઝટ

પ્રથમ તસ્વીરમાં ધોરાજીમાં રાસ-ગરબાની રંગત, બીજી તસ્વીરમાં ધોરાજી અને ત્રીજી તસ્વીરમાં કોડીનારમાં રાવણદહનની તૈયારી થતી નજરે પડે છે.

રાજકોટ તા. ૭ :.આજે નવરાત્રી પર્વ વિરામ લેશે આજે પ્રાચીન-અર્વાચીન રાસોત્સ્વમાં રાસ-ગરબાની રમઝટ બોલશે. કાલે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે અને રાવણદહન કરાશે. આ ઉપરાંત ક્ષત્રીય સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવશે.

કોડીનાર

કોડીનાર : વર્ષોથી સૌરાષ્ટ્ર ખાતેનો ૪૦ ફુટ ઉંચા રાવણનું સ્ટેચ્યુ બનાવી શાનદાર રીતે રાવણદહન કાર્યક્રમ યોજાતો હતો પણ છેલ્લા ૪ - પ વર્ષેથી કાર્યક્રમમાં બનતી ઘટનાના પગલે જવાબદારીના મુદે આ કાર્યક્રમ બંધ થયેલ હતો જે ફરી હિન્દુ યુવા સંગઠનો દ્વારા મીટીંગ કરી આ વર્ષો જુની પરંપરા શરૂ રાખી કાર્યક્રમ ચાલુ કરવા અંગેના વિવિધ પાસાની ચર્ચા કરી વિજયાદશમી મહોત્સવ સમિતિ રચી કાર્યક્રમ ભરી શરૂ કરવા અંગેનો નિર્ણય લેતા પ વર્ષથી વિજયાદશમીએ સુનુ રહેતું કોડીનાર શહેર ફરી જગમગશે.

આ અંગે વિજયાદશમી મહોત્સવ સમિતિના જણાવ્યા પ્રમાણે મંગળવારે બપોરે ર કલાકે જંગલેશ્વર મંદિર ખાતેથી વિવિધ ફલોટર્સ સાથે ભગવાન રામચંદ્રજીની સવારી નિકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી સાંજે ૬.૩૦ કલાકે શિંગોડા નદીના પટાંગણમાં પહોંચશે જયાં ૧ કલાકની ભવ્ય આતશબાજી બાદ ૭.૩૦ કલાકે રાવણદહનનો કાર્યક્રમ યોજાશે તેવું જણાવ્યું હતું.

ભાવનગર

 ભાવનગર :  ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી દ્વારા પ્રેરીત અને બજરંગ વિકાસ સમિતી દ્વારા આયોજીત ''વિજયાદશમી મહોત્સવ, રાવણ દહન'' કાર્યક્રમ તા.૦૮ ને મંગળવારે સાંજે ૬.૦૦ કલાકે ચિત્રા માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાશે. ચિત્રાના માર્કેટિંગ યાર્ડ ખાતેુ છેલ્લા ૮ વર્ષથી સતત ''વિજયાખશમી મહોત્સવ રાવણ દહન'' કાર્યક્રમ તેમજ આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શ્રી જીતુભાઇ વાઘાણીની પ્રેરણાથી કરવામાં આવે છે. પોતાના મત વિસ્તારના લોકોને તેમજ ભાવનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીકમાંજ આ પોૈરાણિક મહત્વ ધરાવતા કાર્યક્રમનો લાભ મળી રહે તેવા હેતુસર શરૂ થયેલ કાર્યક્રમ દર વર્ષે રંગ જમાવતો જાય છે.

આ કાર્યક્રમ અંગે માહીતી આપતા બજરંગ વિકાસ સમિતીના અધ્યક્ષશ્રી દ્વારા જણાવવામાં આવે છે કે ''વિજયદશમી મહોત્સવ-રાવણ દહન'' કાર્યક્રમની વ્યવસ્થાચ પૂર્ણાહૂતિના આરે છે તથા આ કાર્યક્રમમાં ભાવનગર શહેર અને જીલ્લા ભાજપના પ્રભારી શ્રી મહેશભાઇ કસવાલ, મેયરશ્રી મનહરભાઇ મોરી, સંસદસભ્યશ્રી શ્રીમતી ભારતીબેન શિયાળ, તથા બોર્ડ નિગમના ચેરમેનશ્રીઓ, ડાયરેકટરશ્રીઓ અને જીલ્લાના ધારાસભ્યોશ્રીઓ ઉપસ્થિત રહેશે. આ સાથે ભાવનગર શહેર ભાજપના પ્રમુખ શ્રી સનતભાઇ મોદી, મહામંત્રીશ્રીઓ તેમજ શહેર સંગઠન અને જીલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રસિંહજી સરવૈયા, તાલુકા ભાજપના આગેવાનો, મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, જીલ્લા  સંતો-મહંતો, ડાયમંડના ઉદ્યોગપતિઓ, મોર્કેટિંંગ યાર્ડના પ્રતિનીધીઓશ્રીઓ, નગરસેવકશ્રીઓ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અને સભ્યો, જીલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, વોર્ડના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ, અને સમાજના વિવિધ સંસ્થાના આગેવાનો શ્રેષ્ઠીઓ તથા પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પધારશે.

(11:50 am IST)