સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

ભાવનગર : એક ભાઇની હત્યા બીજો ગંભીર

મોણપર ગામે નવરાત્રીના ગરબા રમવા જતી બહેનો સામે શું કામ એન્ટ્રી પાડે છે ? તેમ કહીને બે શખ્સો હથિયારો સાથે તૂટી પડયા

ભાવનગર, તા. ૭ : ભાવનગરના મોણપર ગામે નવરાત્રીના ગરબા રમવા જતી બહેનો સામે શું કામ એન્ટ્રી પાડે છે તેમ કહી બે શખ્સોએ છરી-તલવાર જેવા હીથયારો વડે બે સગાભાઇઓ પર જીવલેણ હુમલો કરતા એકની હત્યા થઇ છે. જયારે બીજાને હોસ્પિટલ ખસેડાયેલ છે.

ખૂનના આ બનાવની વિગતો એવી છે કે, ભાવનગર જીલ્લાના વલભીપુર તાલુકાના મોણપર ગામે રહેતા ભરવાડ વજાભાઇ લક્ષ્મણભાઇ આલોગોતર ઉ.વ.૩૪ અને તેના ભાઇ શેલાભાઇ લક્ષ્મણભાઇ આલગોતર ઉ.વ.૪૦ ગઇ રાત્રે ગામના પાદરે ઉભા હતાં ત્યારે આ જ ગામના ભરત સુરસંગ ચૌહાણ અને ગજેન્દ્ર સુરસંગ ચૌહાણ નામના બે શખ્સો તલવાર, છરી જેવા હથિયારો સાથે આવી 'અમારા બૈૈરાઓ જતાં હોય છે ત્યારે તમો શું કામ એન્ટી પાડીને નીકળો છો ?' તેમ કહી શંકા રાખી હુમલો કરતા વજાભાઇ આલગોતર ઉ.વ.૩૪નું મોત નિપજયું હતું. જયારે શેલાભાઇને ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલ ખસેડાયેલ છે.

હત્યાના બનાવથી પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પોલીસે તકેદારીના રૂપે શેરી ગરબાના રાત્રે આયોજન શરૂ હતાં તે બંધ કરાવ્યા હતા. આ બનાવથી નાના એવા મોણપર ગામમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વલભીપુર પોલીસ સ્ટેશનમાં ભરત સુરસંગ ચૌહાણ અને રાજેન્દ્ર સુરસંગ ચૌહાણ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ પી.એસ.આઇ. એમ.ડી. મકવાણા ચલાવી રહ્યા છે.

(11:42 am IST)