સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 7th October 2019

વિંછીયામાં ૩II ઇંચ, વાંકાનેરમાં પોણી કલાકમાં અઢી ઇંચ

ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે કયાંક ભારે તો કયાંક હળવો વરસતો વરસાદ

રાજકોટ, તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની ઘડીઓ ગણાઇ રહી છે આવા વાતાવરણ વચ્ચે કયાંક ભારે તો કયાંક હળવા વરસાદ વરસી જાય છે.

રાત્રીના વિંછીયામાં સાડા ત્રણ ઇંચ અને વાંકાનેરમાં અઢી ઇંચ વરસાદ પડયો છે.

વિંછીયા

વિંછીયા : વિંછીયામાં ગતરાત્રીના ૮-૧પ વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે અને ગેબી અવાજો સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. એક કલાકમાં ૩ ઇંચ જેટલુ પાણી પડી ગયું હતું. બાદમાં ધીમી ધારે વરસાદ શરૂ રહ્યો હતો. સાથે સાથે વિંછીયા તાલુકાના ઉપરવાસ રેવાણિયા, ગુંદાળા, બિલેશ્વર, અમરાપુર વિગેરે ગામોમાં ત્રણથી ચાર ઇંચ સાંબેલા ધારે વરસાદ પડી જતા  જે ઉપરવાસ રેવાણિયા સહિત તમામ તળાવો અને ચેકડેમ તલાવડા ભરાઇ ગયા હોય વિંછીયા ગોમા નદીમાં બંને કાંઠે ઘોડાપુર આવતા તેને નિહાળવા તેની એક ઝલક લેવા લોકોના ટોળેટોળા ગોમા નદીના પુલ ઉપર ચાલુ વરસાદે ઉમટી પડયા હતાં. બીજી તરફ વિંછીયા શહેર અને તાલુકાના આજુબાજુના ગામોમાં મુશળધાર વરસાદને લીધે તમામ ગરબી બંધ રહી હતી.

વિંછીયામાં છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ વરસાદ અચૂક આવે જ છે. હવે મેઘમહારાજા હાઉ કરો તેમ લકોો ઇચ્છી રહ્યા છે.

વાંકાનેર

વાંકાનેર : વાંકાનેરમાં રાત્રે નવરાત્રી પર્વ અંતર્ગત ગરબીઓ પ્રારંભ થવા સમયે જ અચાનક વાતાવરણમાં પલ્ટા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર ગતિએ વરસેલા વરસાદથી માત્ર પોણી કલાકમાં જ અઢી ઇંચ વરસાદ વરસી ગયો હતો. ભારે વરસાદથી શહેર આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ તરબોળ સ્થિતિ જોવા મળી હતી.

શહેરના દાણાપીઠ વિસ્તારમાં પાંચેક દુકાનોમાં અંદર પાણી ઘૂસી ગયા હતા. જલારામ હાર્ડવેર, જય જલારામ સ્ટોર, એચ.એ. પટેલ સહિતની પાંચેક દુકાનોમાં પાણી ઘૂસી જતા સિમેન્ટ-કલર અને જંતુનાશક દવાઓના કાર્ટૂનો પલળી જઇ નુકશાન થયેલુ જવા મળેલ. જયારે બોડીંગ રોડ ઉપર આવેલ પો. ઇન્સ.ની કચેરી સામેના રોડમાં પાણી તળાવનો ભાસ કરાવી રહ્યો છે.

(11:41 am IST)