સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th September 2019

ડેન્ગ્યુ, મેલેરિયા, વાઇરલ ઇન્ફેકશન અને ઝાડા-ઊલટીના દર્દીઓ વ્યાપક પ્રમાણમા શહેરમાં ગંદકી

ધોરાજી ના નગરજનો રોગચાળાની બાનમાં: સરકારી અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાયા : સરકારી અને ખાનગી દવાખાનાઓ મા કુલ મળી રોજના અંદાજીત ૨૦૦૦ થી વધારે દર્દીઓ આવે છે

ધોરાજી,તા.૭: ધોરાજી શહેર અને નગરજનો હાલ રોગચાળાની ચપેટમાં આવી રહ્યા છે અને ધોરાજી સરકારી હોસ્પિટલ તેમજ ૨૫ જેટલા ખાનગી દવાખાના ના કુલ મળી અંદાજિત ૨૦૦૦ જેટલા દર્દીઓ દરરોજ હોસ્પિટલ ખાતે ઊભરી રહ્યા છે.

ધોરાજી સરકારી હોસ્પિટલમાં નિયમિત રીતે ૨૦૦ જેટલા દર્દીઓની ઓપીડી હોય છે જયારે હાલ ઓપીડી માં દર્દીઓની સંખ્યા ૭૦૦થી વધારે થાય છે જયારે ખાનગી હોસ્પિટલમાં નિદાન કરાવવા કે સારવાર માટે આવેલા દર્દીઓ ની સંખ્યા ગણીએ તો આશરે ૧૨૦૦થી ૧૫૦૦ જેવી થાય છે.

હાલ સમગ્ર શહેરમાં ફેલાયેલા રોગચાળા વિશે જાણીતા તબીબોને પૂછતા તેમણે જણાવેલ કે ખાસ કરીને મચ્છર જન્ય અને પાણીજન્ય રોગચાળો વ્યાપી રહ્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુ તેમજ મેલેરિયા તેમજ વાઇરલ ઇન્ફેકશન અને ઝાડા ઊલટીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

ધોરાજી શહેરમાં સફાઈના મામલે પાલિકા તંત્ર દ્વારા દુર્લક્ષ્ય સેવાઇ રહ્યું હોવાની વાત જગજાહેર છે અને પાલિકા તંત્ર દ્વારા શહેરમાં કચરો અને ખાતર નિયમિત ન ઊપડતું હોવાની ફરિયાદો પણ ઉઠતી રહે છે સાથોસાથ ધોરાજીમાં ઠેર ઠેર કચરાના ઢગલા ગંદકી અને પાણીના ખાબોચિયા ભરાયેલા રહેતા હોવાથી જંતુ જન્ય રોગચાળો બેકાબૂ બની રહ્યો છે સાથોસાથ ડહોળા પાણીના વિતરણ થી પાણીજન્ય રોગચાળો અને જાળા ઉલ્ટીના ના કેસો પણ આવી રહ્યા છે.

પાલિકા દ્વારા સફાઈના અભાવને કારણે તેમજ શહેરમાં આરોગ્ય વિભાગ ખાસ કરીને બ્લોક હેલ્થ દ્વારા લોકોના આરોગ્ય પરત્વે જે જાગૃતતા અને અગમચેતીના પગલાં લેવામાં આવતા હોય છે તેમાં તંત્રની આળસને કારણે આજે સમગ્ર શહેર રોગચાળાની ચપેટમાં આવી ગયું છે બ્લોક હેલ્થ તેમજ પાલિકા તંત્ર દ્વારા શહેરમાં ડીડીટીનો છંટકાવ તેમજ ફોગીંગ ની કામગીરી થતીન હોવાથી પરિસ્થિતિ વણસી છે.

ધોરાજી ની વસ્તી ૮૭૦૦૦ જેવી થવા પામે છે છેલ્લા એક માસથી શહેરના તમામ દવાખાનાઓ અને હોસ્પિટલોમાં દરરોજના ૨૦૦૦થી વધારે દર્દીઓ રોગચાળાની ફરિયાદો સાથે આવતા હોય જેનો સીધો મતલબ કે આજે સમગ્ર શહેર ભયંકર રીતે રોગચાળાની બાનમાં આવી ગયું છે આ મામલે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ અને સરકાર શ્રી એ પોતાની સીધી દેખરેખ હેઠળ ધોરાજીમાં સ્થાનિક તંત્ર અને જવાબદારો સામે કાર્યવાહી કરી લોકોનું આરોગ્ય અને સુખાકારી જળવાઇ રહે તે પ્રકારે કામગીરી કરવી આવશ્યક બની રહે છે.

(11:32 am IST)