સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th September 2018

રિલાયન્સ ઇન્ડ. દ્વારા કાનાલુસમાં પ્રાથમિક શાળા અને પીપળી ગામમાં સ્ટેશન વિસ્તારમાં વાડી શાળાનું નિર્માણ

 જામનગર તા. ૭ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) દ્વારા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, લાલપુર તાલુકાના પીપળી ગામમાં સ્ટેશન વિસ્તારમાં વાડી પ્રાથમિક શાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સામાજિક ઉત્તરદાયિત્વ (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી – સી.એસ.આર.) અંતર્ગત આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રૂપ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ નિર્માણ કરવામાં આવેલી આ બંને સુવિધાઓનું તાજેતરમાં જ કંપનીના અધિકારીઓ દ્વારા તાલુકાના શિક્ષણ વિભાગ તથા ગામના પ્રશાસન મંડળને આ સંકુલોની ચાવી સોંપીને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં કુલ ત્રણ વર્ગો ધરાવતી પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આર.આઇ.એલ. દ્વારા આ શાળામાં વર્ગખંડો ઉપરાંત આચાર્યશ્રીના કાર્યાલય, ટોઇલેટ બ્લોક, પાણીની ટાંકી તથા પાણી માટેનો રૂમ, કમ્પાઉન્ડ વોલ સહિતની સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સુવિધાઓનો લાભ શાળાના ૫૦ કરતાં વધારે બાળકોને મળશે.

આ ઉપરાંત, લાલપુર તાલુકાના જ પીપળી ગામે સ્ટેશન વિસ્તારમાં બે વર્ગખંડો ધરાવતી વાડી પ્રાથમિક શાળાના સંકુલનું નિર્માણ પણ આર.આઇ.એલ. દ્વારા કરવામાં આવ્યું છે. આ અગાઉ ગત વર્ષે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા પીપળી ગામમાં આઠ વર્ગો ધરાવતી મુખ્ય પ્રાથમિક શાળાનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. આર.આઇ.એલ. દ્વારા નિર્માણ કરવામાં આવેલી સુવિધાનો લાભ ૧૫૦ કરતાં વધારે વિદ્યાર્થીઓને મળી રહ્યો છે.

છેવાડા વિસ્તારમાં વસતા ચારણ સમાજના બાળકોને સુવિધા મળશે. આ બંને શાળામાં વર્ગ ખંડોમાં ભાષા. ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ વિગેરે બધા વિષયોને આવરી લેતાં ચિત્રોનું ચિત્રીકરણ શિક્ષણ વ્યવસ્થાને મદદરૂપ થાય તે રીતે કરવામાં આવ્યું છે.

આ લોકાર્પણ પ્રસંગે રિલાયન્સ સામાજિક ઉત્ત્।રદાયિત્વ એકમના અધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા તથા તાલુકાના શિક્ષણાધિકારીશ્રી, ગામના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા રિલાયન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ સુવિધા બદલ આનંદની લાગણી વ્યકત કરી હતી.

(4:09 pm IST)