સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th September 2018

ઉના પાસે પ્રાચીન તિર્થધામ ગુપ્ત પ્રયાગમાં ભાદરવી અમાસનો આજથી ત્રણ દિવસનો પરંપરાગત મેળો

સંત શ્રી મુકતાનંદબાપુના હસ્તે ધ્વજારોહણઃ અન્નક્ષેત્રઃ સાંજે ગંગા આરતીઃ પિતૃ તર્પણ કાર્ય

ઉના, તા. ૭ :. નજીકના પ્રાચીન તિર્થધામ ગુપ્ત પ્રયાગમાં ભાદરવી અમાસ નિમિતે આજે શુક્રવારથી ૩ દિવસના મેળાનો પ્રારંભ થયો છે. મંદિરે ધ્વજા આરોહણ, ગંગા આરતી, અન્નક્ષેત્રનો પ્રારંભ તથા દિવો, બાવળે-પીપળે પાણી રેડી પિતૃ તર્પણ કાર્યનો પ્રારંભ કર્યો છે.

ઉનાથી ૭ કિ.મી. દૂર અતિ પ્રાચીન-પૌરાણિક તિર્થધામ ગુપ્ત પ્રયાગ આવેલુ છે ત્યાં વિષ્ણુ ભગવાનનો નૃસિંહ અવતારનું નૃસિંહ મંદિર ભાગ્યે જ જોવા મળતુ બલરામજી - બળદેવજીનું મંદિર આવેલ છે. પવિત્ર ૩ કુંડ ગંગા, જમના, સરસ્વતી નદીનું ગુપ્ત મિલન થતુ હોય ગંગા, વિષ્નુ કુંડ આવેલ છે. પ્રયાગરાજીએ અહીં ગુપ્તવાસ કરેલ તેની કાળા કલરની શેષનાગના આશન ઉપર બિરાજતી મૂર્તિ આવેલ છે.

વર્ષોથી પરંપરા મુજબ ગુપ્ત પ્રયાગમાં ભાદરવી અમાસ નિમિતેના મેળામાં સવારે અખાડા પરંપરા મુજબ શ્રી બળદેવજીના મંદિરે ચાંપરડાના સંત શ્રી મુકતાનંદબાપુના હસ્તે ધર્મધજા આરોહણ કરેલ હતું. બપોરના ૧૨.૦૦ કલાકે ૩ દિવસ માટે અન્નક્ષેત્રનો વિનામૂલ્યે પ્રારંભ થયો છે. સાંજે ૫.૦૦ કલાકે દિવો પ્રગટાવાશે. ૭.૩૦ કલાકે ગંગા આરતી કરાશે.

 શુક્ર અને શનીવારે રાત્રે સમગ્ર સોૈરાષ્ટ્રમાઁ દિવ પ્રદેશમાંથી લોકો જેમના સ્વજનો મૃત્યુ પામ્યા હોય તેમની યાદમાં કુંડના કિનારે આખી રાત દિવો પ્રગટાવી શ્રધ્ધાંજલી આપી જાગરણ કરશે. સવારે પવિત્ર કુંડમાં સ્નાન કરી પીપળે પાણી રેડી પિતૃતર્પણ કરી મોક્ષ માટે પ્રાર્થના કરશે અને  તા.૯ ના આખો દિવસ લોકો મેળામાં પધારી આનંદ કરશે તેમજ તા.૮ ના સવારે સત્સંગ, મહાપ્રસાદ, તથા રાત્રીના ૧૦ કલાકે લોક ડાયરો તથા ભજનનો કાર્યક્રમ યોજાશે. આ ૩ દિવસ સવારે ચા, બપોરે, રાત્રે મહાપ્રસાદ યાત્રીકો માટે વિનામૂલ્યે વ્યવસ્થા કરેલ હોય પધારી લાભ લેવા ગુપ્ત પ્રયાગના સંત શ્રી વિવેકાનંદબાપુ તથા ગુપ્ત પ્રયાગ સેવા સમિતી તથા સેવક ગણે આમંત્રણ એક યાદીમાં આપેલ છે.(૨-૪)

 

(12:27 pm IST)