સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th September 2018

કુવાડવા : તલાટી કમ મંત્રી સંવર્ગના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ લાવવા માંગણી

કુવાડવા તા.૭ : ગુજરાત રાજય તલાટી મહામંડળના પ્રમુખ ભરતભાઇ ડી.આહીર અને મહામંત્રી અજયસિંહ જે.જામએ રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને તલાટી કમ મંત્રી સંવર્ગના પ્રશ્નો મુદ્દે તંત્ર દ્વારા સેવાતી દુર્લક્ષતા મુદ્દે સકારાત્મક નિરાકરણ લાવવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ત.ક.મંત્રી (પંચાયત) સંવર્ગને ઉચ્ચતર પગાર ધોરણમાં ઘણા વર્ષોથી અન્યાય થાય છે અને બઢતીની તકો પણ ઘણી ઓછી હોવાની રજૂઆતને ધ્યાનમાં લઇ સર્કલ ઇન્સ્પેકટર (પંચાયત)ની જગ્યા વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગમાં અપગ્રેડ કરવાના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક પગર-૧૦૨૦૧૬ - ૬૯૬૫૫૯-ડ તા.૨૪-૧૦-૨૦૧૭ની પ્રસ્તાવના માં જ સરકારે પંચાયત સંવર્ગના તલાટી કમ મંત્રી સંવર્ગના કર્મચારીઓને પગાર ધોરણમાં થતા અન્યાયને દૂર કરવા ઠરાવ કરેલ હોવાનુ સ્વીકારેલ છે. તેમ છતા તેમા મુકેલી શરત નં.૪, પ તથા ૬ના કારણે કોઇપણ પ્રકારનો નાણાકીય લાભ ત.ક.મંત્રીઓને થતો નથી.

સરકારશ્રી દ્વારા સર્કલ ઇન્સ્પેકટરની જગ્યા વિસ્તરણ અધિકારી (પંચાયત)માં અપગ્રેડ કરવામાં આવી જેનો અર્થતંત્ર દ્વારા એવો કરવામાં આવે છે કે, ત.ક.મંત્રીને પ્રથમ બઢતી વિસ્તરણ અધિકારી પંચાયતમાં જ મળે, જે સમજૂતી દુઃખદ છે. કારણ કે, વિસ્તરણ અધિકારી તમામ જેવા કે પંચાયત, સહકાર, આંકડા, નાયબ ચીટનીશની સીધી ભરતી એક જ સંવર્ગ તરીકે થાય છે અને જેની ખાતાકીય પરીક્ષા પણ સમાન હોય છે તથા વિસ્તરણ અધિકારી પંચાયત, આંકડા, સહકાર, નાયબ ચીટનીશને ગ્રામ્ય કક્ષાએ થતી પુરક કામગીરી ત.ક.મંત્રી કરે છે. આમ તમામ કામગીરીનો વહીવટ તથા હિસાબી અનુભવ હોઇ ત.ક.મંત્રીને વિસ્તરણ અધિકારી તમામ જેવા કે પંચાયત, સહકાર,આંકડા, નાયબ ચીટનીશની જગ્યાઓએ બઢતી આપવા સ્પષ્ટતા કરવા વારંવાર રજૂઆત કરેલ છે.

સરકારશ્રી દ્વારા હાલમાં ફિકસ પગારથી ભરતી થયેલ કર્મચારીઓની સને ૨૦૦૬ થી સેવા સળંગ ગણવા ઠરાવવામાં આવેલ છે પરંતુ તે અગાઉ સને ૨૦૦૪ માં પણ સરકારશ્રી દ્વારા ફિકસ પગારથી કર્મચારીઓની ભરતી કરેલ છે. જેથી તે કર્મચારીઓ સિનીયર હોવા છતા ૨૦૦૪ થી નિમણુંક પામેલ કર્મચારીઓની પાછળ પ્રવર્તતા યાદીમાં સમાવવામાં આવે છે. જેને કારણે તેઓને અન્યાય થાય છે જેથી સદર નિર્ણય સુધારી ત.ક.મંત્રીમાં ફિકસ પગારથી ભરતી થયેલ તમામ કર્મચારીઓની નિમણુંક તારીખથી જ સેવા સળંગ ગણવા વારંવાર રજૂઆત કરેલ છે.

પંચાયત વિભાગના ત.ક.મંત્રી પ્રત્યે ઓરમાયુ વર્તન રાખવામાં આવતુ હોવાનો પ્રત્યક્ષ પુરાવો છે. જેથી એક જ સંવર્ગમાંથી ઉભી કરેલ જગ્યાની કામગીરીની વહેચણી સમાન ધોરણે ન થાય ત્યાં સુધી ત.ક.મંત્રી દ્વારા મહેસુલ કામગીરી કરવામાં આવશે નહી. સરકારશ્રીની ફિકત પગાર નિતીથી ભરતી થયેલ ત.ક.મંત્રીને પ્રથમ પાંચ વર્ષ કોઇ લાભ મળતા નથી. જેઓને નવવર્ધિત પેન્શન યોજના હેઠળ જીવન નિર્વાહ પણ ન થાય તેટલુ પેન્શન આપવાની નિતિ બંધ કરી જૂની પેન્શન  યોજના શરૂ કરવા વારંવાર રજૂઆત કરેલ છે.(૪૫.૮)

(12:18 pm IST)