સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th July 2018

ખનીજ વિભાગે ઇશરા ગામે ૭૮ લાખની રેતી ચોરાઇ ગયાની નોંધાવી ફરીયાદ

ધોરાજી તા.૭: ઉપલેટા પોલીસ મથકે ગતરોજ ખાણ-ખનીજ વિભાગનાં અધિકારી દ્વારા ઉપલેટા તાલુકાનાં ઇશરા ગામે ભાદર નદીમાંથી ૭૮ લાખ ૩૦ હજારની રેતી ચોરાઇ ગઇ હોવાની ફરીયાદ નોંધાવતા જબરૂ આશ્ચર્ય ફેલાયું છે.

રાજકોટ જિલ્લા કલેકટરનાં આદેશથી ખનીજચોરી ડામવા સુચના મળતા જિલ્લા ભુસ્તર શાસ્ત્રી આંકોલકર, ખાણ-ખનીજ વિભાગની ટીમ નાયબ કલેકટર તુષાર જોષી અને સરકારી સાહેબોની ટીમે ઇશરા ગામે ખનીજ ખનનની ફરીયાદ સંદર્ભે ભાદર નદીમાં તપાસ હાથ ધરતા અને ખાણ ખનીજ વિભાગનાં સર્વેયરોએ માપણી કરતા સાદી રેતી ખનીજ ૩૨૬૨૭ ટન રેતી ખનન થયું હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવતા ખાણ ખનીજ વિભાગનાં માઇન્સ સુપરવાઇઝર રાજેન્દ્રભાઇ પટેલ દ્વારા ૩૨,૬૨૭ ટન રેતી કિંમત અંદાજે ૭૮ લાખ ૩૦ હજારની કિંમતની ખનીજચોરી અજાણ્યા શખ્સો દ્વારા કરાઇ હોવાની ઉપલેટા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

ધોરાજી-ઉપલેટા પંથકમાં વહેતી લોકમાતા નદીઓ ભાદર, વેણું, મોજ આ તમામ નદીઓમાંથી ખનીજચોરીનું કામ ઘણા લાંબા સમયથી ચાલી રહયું છે. વર્તમાનપત્રો-ટીવી ચેનલોમાં અનેકવખત આ કાળા કારોબાર વિશે લખાયુ છે. પ્રસિધ્ધ થયું છે. ભાદર નદીમાં ખનીજચોરી મામલે અનેક વખત અથડામણો, મારામારી, ફાયરીંગ જેવી ઘટનાઓ સર્જાઇ છે. અને પોલીસ ચાપડે મોજુદ છે. છેલ્લા ઘણા સમયથી ખનીજ માફીયાઓ દ્વારા આ લોકમાતા પર કાબુ કરી લેવાયો છે.

ખનીજચોરી મામલે ધોરાજીનાં ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ સ્થાનિક કક્ષાએ થી લઇને વિધાનસભા ગૃહમાં ખનીજચોરીનાં પુરાવા સાથે ફરીયાદો કરી હતી. તેમ છતાં ખનીજચોર અટકી નહી. તાજેતરમાં ધોરાજી કોંગ્રેસ દ્વારા ખનીજચોરીનાં વિશેષરૂપે શહેરમાં પોસ્ટરો બનાવી ''ધોરાજીમાં સરકારનું નહી, ખનીજ માફીયાઓનું રાજ'' તેવા પોસ્ટર બનાવાયા હતા. ખનીજચોરી, રેતીચોરી એ જગજાહેર વાત છે.સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખે જગદીશભાઇ રાખોલીયા એ પ્રતિક્રિયા આપતા જણાવેલ કે રેતીચોરીની વાત જગજાહેર છે. અનેક રજુઆતો, કાર્યક્રમો આપ્યા તેમ છતાં કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી. તંત્રના જણાવ્યા મુજબ ૩૨,૬૨૭ ટન રેતીનું ખનન થયું એ ખનન રાતો-રાત તો થાય નહી... ૩૨,૬૨૭ ટન રેતી પરિવહન કવરા ૩૨૦૦ થી ૩૫૦૦ ટ્રકો જોઇએ. આ ખનીજની વાત કોઇથી અજાણ નથી. આમા અનેકનાં હાથ કાળા થયા છે. આટલી મોટા જથ્થામાં રેતી ઉપાડી હોવાથી ઉચ્ચકક્ષાએથી તપાસ થાય તો અનેકનાં તપેલા ચડી જાય તેમાં બેમત નથી. ચોમાસુ શરૂ થતાની સાથે જ ફરીયાદ શા માટે? ૩૨,૬૨૭ ટન રેતી રાતો-રાત ઉપડી છે?

ભાદર નદીમાં ખનીજ ચોરી અટકાવવા પ્રાંત અધિકારી એ ખાસ રસ દાખવી સ્પેશીયલ ડ્રાઇવ કરી ખાસ ઝુંબેશ હેઠળ મામલતદાર, નાયબ મામલતદારોની નિમણૂંક કરી સ્પેશીયલ ઓર્ડર બજાવી ૨૪ કલાક કંટ્રોલરૂમ શરૂ કરી... પેટ્રોલીંગ સહિત કાર્યવાહી હાથ ધરી તેમ છતાં હજારો ટન રેતી ચોરાઇ જાય? આ આશ્ચર્ય જબરૂ છે.

રેતીચોરી કોૈભાંડ-ભ્રષ્ટાચારમાં જો ઉચ્ચ કક્ષાએથી અધિકારીઓ કે અન્ય માથાભારે શખ્સોની ખાનગી રાહે તપાસ કરવામાં આવે અને કોઇ રેકોર્ડ કે કોઇ ડીટેલ કાઢવામાં આવે તો દૈનિક અંદાજે ર કરોડ ની થતી ખનીજ ચોરીમાં અનેકની સંડોવણી બહાર આવે તેમાં બે મત નથી.

(12:44 pm IST)