સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

બેટ દ્વારકાનાં હાજી કિરમાણી નજીક દરિયામાં જેતલસરનાં મુસ્લિમ યુવકનું મોતઃ અન્ય એકની શોધખોળ

ખંભાળીયા, તા.૭: જેતપુરના જેતલસર જંકશનમાં રહેતો પરિવાર બેટ-દ્વારકા વચ્ચે આવેલ હાજી કિરમાણીની દરગાહે દર્શન કરવા માટે ગયા હતા જે બાદ પરિવાર દરીયા કિનારે સહેલગાહે હોય તે દરમ્યાન પરિવારથી અલગ પડી બંને યુવાનો દરીયામાં ન્હાવા પડતાં ડૂબી ગયા હતાં. દરીયામાં વધુ કરંટ હોવાના કારણે આજે બીજા દિવસે પણ યુવાનોનો પતો ન લાગતા રેસ્કયું ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવતા આજે ૧૦.૩૦ કલાકે પૈકીના રજાક બ્લોચ (ઉ.વ.૧૭) લાશ મળી આવી હતી. જયારે હજુ એક યુવાન લાપતા છે આથી પરિવારમાં ચિંતા વ્યાપી છે.

મળતી માહિતી મુજબ ગત તા.૬ના રોજ બેટ-દ્વારકા વચ્ચે આવેલી હાજી કિરમાણીની દરગાહે જેતપુરના જેતલસર જંકશનમાં રહેતો પંદરથી સતર વ્યકિતઓ સાથેનો મુસ્લિમ પરિવાર દર્શને આવેલ હોય ત્યારે દર્શન કરી પરત ફરતા પરિવારના લોકો દરિયા કિનારે સહેલગાહ કરતા હતા તે દરમ્યાન પરિવારના રજત સિકંદર બ્લોચ (ઉ.વ.૧૭) તથા નિજામશા હનીફશા શાહમદાર (ઉ.વ.૨૩) ના બંને યુવાનો દરીયામાં ન્હાવા પડતાં અચાનક ડૂબવા લાગતા હાજર પરિવારજનોએ બુમાબુમ કરતા આસપાસના ખલાસીઓ તથા પ્રવાસીઓ દોડી આવી તાત્કાલીક ઓખા મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ થતાં જ ફાયરની ટીમ સાથે ઓખા મરીનના ઇન્ચાર્જ પીઆઇ સી.બી.જાડેજા સહીતનો સ્ટાફ પહોંચી જઇ ડૂબેલા યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરવામાં આવતા યુવાનોનો પતો લાગ્યો ન હતો. રાત્રીના દરીયામાં કરંટ વધુ હોવાથી  ફાયર વિભાગની ટીમ દ્વારા સવારે ફરીથી શોધખોળ હાથ ધરી હતી. જેમાં એક યુવાનની લાશ મળી આવી હતી.

આસપાસના અનુભવી ખલાસીઓના જણાવ્યા અનુસાર દરિયામાં વમળ હોવાથી વમળ શાંત થયા બાદ ૧૪થી ૧પ કલાકના સમય પછી લાશ બહાર આવી શકે છે. હાલ અન્ય એક યુવાનની લાશનો પતો મેળવવા ઓખા મરીન તથા ફાયર ટીમ સતત શોધખોળ હાથ ધરી રહી છે.

(1:44 pm IST)