સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

જુનાગઢ મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમીટી બેઠકમાં ૫૯ કરોડના વિકાસ કામોને લીલીઝંડી

ટીંબાવાડી વિસ્તારમાં ગાર્ડન બનાવવા, નરસિંહ મહેતા સરોવરમાં આજુબાજુની ગટરોનું ગંદુ પાણી ન ભળે તથા વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે અમૃત યોજના તળેના કામને મ્યુ કમિશ્નરે બાયોમીથેનેશનનો પ્લાન્ટ સ્થાપીત કરવા સહિતની દરખાસ્તને લીલીઝંડી

જુનાગઢ તા ૭  :  જુનાગઢ મહાનગરપાલીકા સ્થાયી સમિતી કાર્યાલય ખાતેથી એક યાદીમાં જણાવેલ છે કે જુનાગઢ મહાનગર પાલીકાની સ્થાયી સમીતીની ૮૨મી બેઠક ચેરમેન નિલેશભાઇ ધુલેશીયા, નાયબ કમિશ્નર શ્રી નંદાણીયા તથા ઉપસ્થિત સદસ્યશ્રીઓ અને અધિકારીઓ વચ્ચે યોજવામાં આવેલ હતી.

જેમાં મહત્વના નિર્ણયોમાં અમૃત યોજના તળે વિવિધ વોર્ડો  કે જયાં પાણી વિતરણ વ્યવસ્થા નથી, તેવા વિસ્તારોમાં આયોજન તથા કામગીરી જરૂરી સાધન- સામગ્રીઓની  કામગીરી તથા અમૃત યોજના અંતર્ગત જ ગાર્ડન પ્રોજેકટમાં ટીંબાવાડી વિસ્તારમાં ગાર્ડન બનાવવા તથા અન્ય અમૃત સ્કિમ અંતર્ગતના માળખાકિય આયોજનો માટે વિશેષરૂપે નરસિંહ મહેતા તળાવમાં આજુબાજુની સોસાયટી તથા કાળવા રીવરમાં ભળતું ગટરનું  ગંદુ પાણી અટકાવવા અર્થેની સેન્ટ્રલ ઝોન ગટર વ્યવસ્થા તથા નરસિંહ મહેતા તળાવમાં વરસાદી પાણી સીધું ભળી શકે તે માટેની બોક્ષ ટાઇપ સ્ટોર્મ વોટર ડ્રેનેજની વ્યવસ્થા કરવા અર્થે રૂા ૧૯ કરોડ મંજુર કરવામાં આવેલ છે., આમ સમગ્રપણે અમૃત યોજના તળે કુલ મળી આશરે  રૂા પ૯  કરોડની   વિવિધ દરખાસ્તોને મંજુરી આપવામાં આવેલ છે, જે કામો આગળ વધતા સમગ્ર મહાનગરમાં ફેઇઝવાઇઝ તબક્કાવાર વોર્ડોમાં પાણી પુરવઠાની   કામગીરીઓ  કરવામાં આવનાર છે.

જુનાગઢ મહાનગરપાલિકા બાયોમીથેનેશનનો પ્લાન્ટ સ્થાપીત કરી કાર્યરત કરવા તથા સ્વચ્છ ભારત મીશન અંતર્ગત જુનાગઢ શહેરમાંથી એકત્ર થયેલ કચરાનો ઉપયોગ કરી બાયોમીથેનેશનનો પ્લાન્ટ સ્થાપીત કરવા રૂા ૪ કરોડ ૬૯ લાખની દરખાસ્તને મંજુરી આપવામાં આવેલ છે.

આમ, ઉપર જણાવ્યા અનુસાર ના આશરે રૂા ૬૩ કરોડથી વિશેષના કામોને આજરોજ મંજુરીની મ્હોર મારવામાં આવેલ છે. તેમ સ્થાયી સમિતી ચેરમેનશ્રીની યાદીનાં અંતમાં જણાવાયેલ છે.

(1:42 pm IST)