સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

જુનાગઢ યાર્ડના પ૦ વેપારીના રૂ. ૭૭ લાખ ફસાતા ત્રીજા દિવસે પણ હડતાળ

હરરાજી ઠપ્પ રહેતા યાર્ડમાં જણસનાં ઢગલા

જુનાગઢ, તા., ૭: જુનાગઢ યાર્ડના પ૦  વેપારીનાં રૂ. ૭૭ લાખ ફસાતા આજે ત્રીજા દિવસે પણ યાર્ડમાં હડતાળ યથાવત રહી છે. જેના પરીણામે હરરાજી ઠપ્પ રહેતા યાર્ડમાં જણસનાં ઢગલા થઇ ગયા છે.

દોલતપરા વિશ્વ માર્કેટીંગ યાર્ડની લોલેશ્વર નામની વેપારી પેઢીએ જણસની ઉધારમાં ખરીદી કર્યા બાદ પ૦ જેટલા વેપારીઓને રૂ.૭૭ લાખનુંપેમેન્ટ નહી કરતા યાર્ડના વેપારીઓ હડતાળ પર ઉતરી ગયા છે.

આ વેપારી પેઢીએ ફુલેકુ ફેરવતા નાના-મોટા વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

પેઢીના સંચાલકો ભુગર્ભમાં ઉતરી ગયા છે. બીજી તરફથી આ પેઢી દ્વારા બાકી પેમેન્ટ કરવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ આ પ્રયાસો સફળ નહિ રહેતા આજે ત્રીજા દિવસે પણ યાર્ડનાં વેપારીઓએ હડતાળ જારી રાખીને  હરરાજી બંધ રાખી છે.

યાર્ડના વેપારી એસો.ના પ્રમુખ હિરાભાઇ વેકરીયાએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે વેપારી પેઢી કાચી પડતા પ૦ જેટલા વેપારીઓના ૭૭ લાખનું પેમેન્ટ અટકી ગયું છે.આ વેપારીઓમાં મોટાભાગના મધ્યમ  સ્થિતિમાં હોય તેમની હાલત વધુ કફોડી બની છે.

ગઇકાલે યાર્ડ ખાતે બેઠક મળી હતી. જેમાં કોઇ નિષ્કર્ષ નિકળ્યો ન હતો અને સુધી વેપારીઓને પેમેન્ટ કરવામાં નહી આવે ત્યાં સુધી કામકાજ બંધ રાખવાનું નક્કી કરાયું હતું. વેપારીઓની હડતાળ અને હરરાજી બંધ રહેતા યાર્ડમાં ઠેકઠેકાણે જણસનો ભરાવો થઇ ગયો છે.

(1:35 pm IST)