સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

છકડો અને અતુલ રિક્ષા સામ-સામે અથડાતાં લોધીકાના રહિમભાઇનું મોતઃ પિતાને ફ્રેકચર

બકાલુ વેંચીને ચાંદલીથી પરત આવતી વખતે રસ્તામાં બનાવ : મૃત્યુ પામનાર ખોજા યુવાનના એક મહિના પહેલા જ કર્ણાટકની યુવતિ સાથે લગ્ન થયા'તા

રાજકોટ તા. ૭: લોધીકા અને ચાંદલી વચ્ચે સાંજે છકડો રિક્ષા અને અતુલ રિક્ષા સામ-સામે અથડાતાં લોધીકાના ખોજા યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે તેના પિતાને પગમાં ફ્રેકચર થઇ ગયું હતું.

જાણવા મળ્યા મુજબ લોધીકા રહેતાં અને બકાલાનો ધંધો કરતાં રહિમભાઇ અઝીમભાઇ દેવરાણી (ઉ.૩૩) અને તેના પિતા અઝીમભાઇ ગવરભાઇ દેવરાણી (ઉ.૫૫) પોતાની છકડો રિક્ષામાં બકાલુ ભરી ચાંદલી ગામે વેંચવા ગયા હતાં. ત્યાંથી બંને સાંજે પરત લોધીકા જઇ રહ્યા હતાં ત્યારે લોધીકા-ચાંદલી વચ્ચેના રસ્તા પર સામેથી અતુલ રિક્ષા અથડાતાં છકડો ચાલક રહિમભાઇ અને પિતા અઝીમભાઇ ફંગોળાઇ જતાં બંનેને ગંભીર ઇજા થતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

પરંતુ અહિ સારવાર દરમિયાન રહિમભાઇનું મોત નિપજ્યું હતું. તેના પિતાને પગમાં ફ્રેકચર થઇ જતાં દાખલ કરાયા હતાં. મૃત્યુ પામનાર રહિમભાઇ માતા-પિતાના એક જ પુત્ર અને એક બહેનથી નાના હતાં. એક માસ પહેલા જ તેના કર્ણાટકની યુવતિ સાથે લગ્ન થયા હતાં. બનાવથી પરિવારમાં માતમ છવાયો છે.

(12:13 pm IST)