સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th June 2019

કુવાડવા-વાંકાનેર રોડ પર 'હિટ એન્ડ રન': ઇકો કારના ચાલકે બાઇકને ઉલાળતાં કોળી મહિલાનું મોતઃ પુત્રીને ઇજા

પતિ અને ત્રણ સંતાનો સાથે વાંકાનેરના વણઝારા ગામે માવતરે જઇ રહેલી રાજુબેન (ઉ.૩૦)ને રસ્તામાં કાળ ભેટ્યોઃ નવ માસનો અરમાન અને ૩ વર્ષની આરતી અને પ વર્ષની અક્ષરા મા વિહોણા થયા

રાજકોટ તા. ૭: કુવાડવા વાંકાનેર રોડ પર 'હિટ એન્ડ રન'ની ઘટના બની છે. જેમાં બાઇકને પાછળથી ઇકો કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં બામણબોરનો કોળી યુવાન, તેના પત્નિ અને ત્રણ બાળકો ફંગાળાઇ ગયા હતાં. જેમાં આ યુવાનના પત્નિનું મોત નિપજ્યું હતું અને ત્રણ વર્ષની દિકરીને ઇજા થઇ હતી. જ્યારે યુવાન, તેના નવ માસના પુત્ર અને પાંચ વર્ષની દિકરીનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.

બનાવ અંગે કુવાડવા પોલીસે બામણબોરના નવાગામમાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં સંજયભાઇ વશરામભાઇ નાકીયા (કોળી) (ઉ.૩૨)ની ફરિયાદ પરથી ઇકો કાર નં. જીજે૩૬બી-૭૭૫૨ના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

સંજયભાઇ નાકીયા ગઇકાલે ગુરૂવારે બપોરે સાડા ત્રણેક વાગ્યે પત્નિ રાજુબેન  (ઉ.૩૦) તથા ત્રણ બાળકો અક્ષરા (ઉ.૫) અને આરતી (ઉ.૩) તથા દિકરો અરમાન (ઉ.૯ માસ)ને પોતાના સ્પ્લેન્ડર જીજે૩એફએન-૬૬૨૫માં બેસાડી સસરા રમેશભાઇ પ્રેમજીભાઇના ગામ વણઝારા ખાતે વાયા કુવાડવા થઇને જવા નીકળ્યા હતાં.

બધા કુવાડવા વાંકાનેર રોડ પર પીપરડીના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે કુવાડવા તરફથી ઇકો કાર આવી હતી અને સંજયભાઇના બાઇકને પાછળથી ઠોકરે ચડાવતાં બધા પડી ગયા હતાં. જેમાં તેના પત્નિ રાજુબેનને માથામાંથી ખુબ લોહી નીકળી ગયું હતું. દિકરી આરતીને આંખના ભાગેથી લોહી નીકળ્યું હતું. સંજયભાઇએ ઉભા થઇને જોતાં ઇકો કાર જીજે૩૬બી-૭૭૫૨ જોવા મળી હતી. તેની નંબર પ્લેટનો મોબાઇલથી ફોટો પાડી લીધો હતો. કારવાળો ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં ૧૦૮ બોલાવી સંજયભાઇએ પત્નિ અને છોકરાઓને કુવાડવા સરકારી દવાખાને ખસેડ્યા હતાં. પરંતુ તેના પત્નિને ડોકટરે મૃત જાહેર કર્યા હતાં. જ્યારે દિકરી આરતીને રાજકોટ સારવાર માટે ખસેડી હતી. બીજી દિકરી અક્ષરા અને નવ માસના પુત્ર અરમાનને સામાન્ય ઇજા થઇ હતી.

કુવાડવાના હેડકોન્સ. એમ. એલ. ઝાલાએ  ભાગી ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(12:12 pm IST)