સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th June 2018

ભીમસર ચોકડી પાસે તલાવડીમાંથી યુવાનનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો

માળીયા મીંયાણા, તા. ૭ : માળીયાના ભીમસર ચોકડી પાસે આવેલી ખેત તલાવડીમાંથી યુવાનનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઇ હતી. બનાવની મળતી વિગત મુજબ માળીયા મિયાણાના ભીમસર ચોકડી પાસે આવેલ ખેત તલાવડીમાં યુવાનનો મૃતદેહ હોવાની પોલીસ માહિતી મળી હતી. ઘટનાની જાણ થતા માળીયા પોલીસના અમૃતભાઇ પટેલ સહિતની ટીમ ત્યાં દોડી ગઇ હતી અને ત્યાં મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે નગ્ન હાલતમાં હતો તેમજ તેના એક હાથમાં ટાઇગરનું ટેટુ તો બીજા હાથમાં પણ ટેટુ દોરાવેલું હતું. પોલીસ યુવકના મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલ ખસેડાયો હતો પણ મૃતદેહની હાલત વધુ ખરાબ હોવાથી તેને રાજકોટ મોકલવામાં આવ્યો હતો અને પોલીસે યુવકની ઓળખ મેળવા તેમજ કેવી રીતે આ યુવાનનું મોત થયું તેની પણ તપાસ ચલાવી રહી છે. (૮.૧૪)

(11:55 am IST)