સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th June 2018

જુનાગઢ ગિરનારમાં પ્રાથમિક સુવિધાઓને અગ્રતા આપવા માગણીઃ વિકાસ સત્તા-મંડળની બેઠક મળી

જુનાગઢ તા. ૭ :.. ગિરનાર વિકાસ સત્તા મંડળની બેઠક મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુની અધ્યક્ષતામાં પ્રથમ પ્રાથમિક બેઠકમાં ગિરનાર અને દામોદરકુંડ ખાતે પ્રાથમિક સુવિધાનો કામોને અગ્રતા આપવા સર્વાનુમતે સુચન સ્વરૂપે માગણી કરવામાં આવી હતી.

બેઠકમાં ગીરનાર પર્વતમાં તળીયેથી ટોંચ સુધી પાણીની વ્યવસ્થા કરવી. ગિરનારની બન્ને સીડી ઉપર છાપરા અને રીલીંગ બનાવવી, પ૦૦ પગથિયે વિસામાની વ્યવસ્થા કરવી, ભવનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કરી, સોમનાથ જેવું બનાવવું, પરિક્રમા અને મેળા દરમ્યાન ઉતારા વ્યવસ્થા, લાઇટ, પાણીની સુવિધા ઉભી કરવી.

ઉપરાંત શિવરાત્રી મેળામાં કુંભ મેળાની માફક રાશન તેમજ અન્ય જરૂરી સુવિધાઓ પુરી પાડવી, ભવનાથ-ગિરનારમાં તાત્કાલીક સારવાર મળે તેવી સુવિધાઓ ઉભી કરવી, પોલીસ બંદોબસ્ત, પાર્કીંગ અને સફાઇ નિયમિત કરાવવા, દામોદરકુંડમાં વહેતા પાણીની સુવિધા ઉભી કરવી તેમજ ગીરનાર સીડી ઉપર ૧૦૦૦ પગથિયે પ્રસાદની વ્યવસ્થા ગોઠવવી તથા પર્વત ઉપર શૌચાલયની સગવડ ઉભી કરવી. પર્વત ઉપર યાંત્રિક ભવનનું નિર્માણ કરવું, પરિક્રમા રૂટ સીસી ટીવીથી સજ્જ અને માર્ગમાં સુચન બોર્ડ મુકવા, ભવનાથ વિસ્તારમાં ભુગર્ભ ગટરની વ્યવસ્થા કરવી અને ગિરનાર તથા ભવનાથ તિર્થક્ષેત્રની સરકારના જવાબદાર અધિકારીઓ મુલાકાત લે તેવી વ્યવસ્થા કરવી તેમજ ગાઇડ બુક બહાર પાડવી અને પર્વત ઉપર વિવિધ ધર્મસ્થળોને વરસાદનું પાણી સંગ્રહ કરવા વિશેષ ગ્રાન્ટ ફાળવવા માંગણી કરી છે.

આ બેઠકમાં મહંત શેરનાથબાપુ, મહાદેવગીરી, શૈલેષભાઇ દવે, યોગીભાઇ પઢીયાર, જયોતિબેન વાછાણી, મેયર આદ્યાશકિત મજમુદાર, મહેન્દ્રભાઇ મશરૂ, ડો. વિશાલ જોષી, નિર્ભય પુરોહિત, એભાભાઇ કટારા, ચંદ્રીકાબેન રાખશીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં નવા અનુસ્નાતક શિક્ષણ કાર્ય

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે બીજુ શૈક્ષણીક સત્ર જૂન -ર૦૧૮ થી અનુસ્નાતક શિક્ષણ કાર્યનો પ્રારંભ થનાર છે. યુનિવર્સિટીમાં ડીપાર્ટમેન્ટ ઓફ લેંગ્વેજીસમાં અંગ્રેજી અનેસર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનીકિટીવ ઇંગ્લીશ (સ્વનિર્ભર ધોરણે), ડીપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સીસ એન્ડ સોશિયલ વર્કમાં સમાજ શાસ્ત્ર, ઇતિહાસ અને એમ. એસ. ડબલ્યુ. (સ્વનિર્ભર ધોરણે), ડીપાર્ટમેન્ટ ઓફ લાઇફ સાયન્સીસમાં બોટની, ઝૂલોજી, માઇક્રોબાયોલોજી, સર્ટીફીકેટ કોર્સ ઇન બેઝીકસ ઓફ એનવાયરર્ન્મેટલ પોલ્યુશન (સ્વનિર્ભર ધોરણે), ડીપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીક એન્ડ ફોરેન્સિક સાયન્સમાં કેમેસ્ટ્રી તથા ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં કોમર્સ વિષયોમાં સેમેસ્ટર-૧ માં પ્રવેશ માટે ઓનલાઇન પ્રવેશ તા. ૧૧ સુધી પ્રક્રિયા શરૂ છે.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢમાં અનુસ્નાતક શિક્ષણમાં ઉપરોકત વિષયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ યુનિ.ની વેબસાઇટ  http://admission.bknmu.edu.in માં ડીપાર્ટમેન્ટ એડમીશન પર કલીક કરી જરૂરી વિગત ભરી તા. ૧૧ સુધીમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે ફોર્મ સબમીટ કરવાનું રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(11:55 am IST)