સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th June 2018

સંરક્ષણ ક્ષેત્રની રોજગારલક્ષી તાલીમના પરિણામે અત્યાર સુધીમાં બોટાદ જિલ્લાના ૪૦થી વધુ યુવાનો ભારતીય સેનામાં જોડાયા છેઃ સુજીત કુમાર

ટાટમ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી આયોજીત સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગનો સમાપન સમારોહ યોજાયો

બોટાદ તા. ૭ : બોટાદ જિલ્લાના ટાટમ ખાતે રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના સંરક્ષણક્ષેત્રે કારકિર્દી ઈચ્છુક યુવાનોને ભરતી પૂર્વે શારીરિક તેમજ માનસિક કસોટી માટેના યોજાયેલા સંપૂર્ણ નિવાસી તાલીમ વર્ગનો સમાપન સમારોહ જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને આજે ટાટમ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ નિવાસી તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓ માટેની ઉપલબ્ધ સુવિધાઓની સાથે તેમની તાલીમના સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતુ કે, વ્યકિતને કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે તાલીમ એ પ્રેરક બળ પૂરૃં પાડે છે. યોગ્ય ટેકનિક સાથેનું જ્ઞાન એ નિષ્ણાંત તજજ્ઞોના માર્ગદર્શન થકી આવા તાલીમ વર્ગો દ્વારા પ્રાપ્ત થતું હોય છે.

કલેકટરશ્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, જિલ્લા રોજગાર વિભાગ દ્વારા પ્રતિવર્ષ આપવામાં આવતી સંરક્ષણ ક્ષેત્રની રોજગારલક્ષી તાલીમના પરિણામે આજે બોટાદ જિલ્લાના ૪૦ થી વધુ યુવાનો સંરક્ષણના ક્ષેત્રમાં જોડાઈને ભારતીય સેનાનો ભાગ બની શકયા છે.

તેમણે આ તકે ઉપસ્થિત તાલીમાર્થી યુવાનોને એકબીજાને મદદરૂપ થઈ, સ્વ સાથે હરિફાઈ કરીને ટેકનોલોજીના માધ્યમથી વધુ સારી ક્ષમતા સાથે આગળ વધવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા રોજગાર અધિકારીશ્રી પી. કે. ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કરી રોજગાર કચેરી દ્વારા યોજાયેલ સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતુ કે, રોજગાર કચેરી દ્વારા ટાટમ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના સહકારથી સંરક્ષણક્ષેત્રે કારકિર્દી ઈચ્છુક યુવાનોને ભરતી પૂર્વે શારીરિક તેમજ માનસિક કસોટી માટેનો એક માસનો નિવાસી તાલીમ વર્ગ તા. ૧૧ મી મે થી શરૂ કરવામાં આવ્યો છે, જે આગામી તા. ૯ મી જૂનના રોજ પૂર્ણ થશે. આ તાલીમ વર્ગમાં નિયત લાયકાત અને શારીરિક માપદંડોની પરીપૂર્ણતાને આધીન રહી પ્રી-સ્ક્રુટીની દ્વારા ૩૦ તાલીમાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમને થલસેના ભરતીના અભ્યાસક્રમને અનુરૂપ નિષ્ણાંત તજજ્ઞશ્રીઓ દ્વારા પધ્ધતિસરની તાલીમ અને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું છે. આ તાલીમાર્થીઓને તાલીમ દરમિયાન સરકારશ્રી દ્વારા નિવાસ, ભોજન તથા અન્ય આનુસાંગિક સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે.

આ કાર્યક્રમના પ્રારંભમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના શ્રી વી. એમ. સ્વામિએ આશિર્વચન પાઠવતાં જણાવ્યું હતુ કે, ભારતના જવાનો હંમેશા દેશની સુરક્ષા માટે કટીબધ્ધ રહ્યાં છે, ત્યારે આપણા બોટાદ જિલ્લાના વધુને વધુ યુવાનો પણ દેશભાવના સાથે આર્મીમાં જોડાય તે જરૂરી છે.

આ કાર્યક્રમમાં તાલીમાર્થી સર્વશ્રી પ્રકાશ મકવાણા અને ચિંતન મેટાલીયા તથા ભૂતપૂર્વ તાલીમાર્થી અને હાલમાં સંરક્ષણ ક્ષેત્રે પસંદગી પામેલ શ્રી હરેશભાઈએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. આ તકે કલેકટરશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભૂતપૂર્વ તાલીમાર્થીઓ પૈકી સફળતા મેળવેલ તાલીમાર્થીઓનું તેમજ જિલ્લા રોજગાર કચેરીના સારી કામગીરી કરેલ કર્મચારીશ્રીઓને સન્માનવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા માહિતી અધિકારીશ્રી એચ. બી. દવે, ગઢડાના નાયબ મામલતદારશ્રી વિશાલ શુકલ, રોજગાર કચેરીના કર્મચારીશ્રીઓ તથા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(10:02 am IST)