સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

મોરબીમાં કોરોનામાં આંશિક રાહત, મ્યુકોરમાઈકોસિસમાં પણ ઘટતો આંક

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૭:   આજે દેશ અને દુનિયામાં કોરોના એ હાહાકાર મચાવી સવા વર્ષથી   દુનિયાને બાનમાં લીધી છે. અને ગુજરાતની વાત કરીએ તો અપુરતી તબીબી વ્યવસ્થા,સંસાધનો, સરકારની આગોતરા આયોજનની નિષ્ફળતાના કારણે કોરોના પોતાની જડો જમાવી ગામડાઓ સુધી પહોંચી ગયો છે અને મોટી સંખ્યામાં લોકોને પોતાની ચપેટમાં લેવા સાથે મોતના મુખમાં ધકેલી રહ્યો છે.

છેલ્લા લગભગ પંદરેક દિવસથી કોરોના બાદ થતો કોરોના સંલગ્ન એક વધુ રોગ મ્યુકોરમાઈકોસિસ એ ગુજરાત માટે ચિંતાનું કારણ બન્યો છે અને આ રોગ પણ ગુજરાતમાં પોતાનો પંજો ફેલાવી રહ્યો છે.

હાલમાં અમદાવાદ, બરોડા, રાજકોટ, મોરબી સહીત અન્ય શહેરોમાં આ રોગના દર્દીઓ જોવામાં આવ્યા છે અને તેમા મોરબીની વાત કરીએ લગભગ એક અઠવાડિયા પૂર્વે મોરબીમાં આ રોગથી સંક્રમિત દરદીઓ ની સંખ્યા  ૨૦ ની આસપાસ હતી જે સંખ્યા હાલમાં ઘટીને ૧૫ ની હોવાનુ તબીબી વર્તુળો જણાવી રહ્યા છે. જે એક કોરોના ની જેમ જ મોરબી માટે રાહતના સમાચાર કહેવાય. જોકે આ રોગનો ભોગ બનેલ એક મહિલા દર્દીનું મોત પણ નીપજ્યું હતું જે દુઃખદ બાબત છે. આ રોગના કોઇ ચિન્હો જણાતાં ની સાથેજ તબીબોનો સંપર્ક કરી લેવો હિતાવહ છે.

સામાન્ય રીતે આ રોગ કોરોના બાદ થતો રોગ હોવાથી જો આપણે પૂરી તકેદારી રાખી કૉરોનાથી બચી શકીએ તો તેના પછી આવતા આ રોગથી પણ બચી શકીએ તે સમજી શકાય તેવી બાબત છે. અને બહુ સરળ છે.

સામાન્ય રીતે, આંખ અને નાકના હાડકાની વચ્ચે આ રોગ થાય છે. આ બીમારીમાં ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. મ્યુકર લોહીની નસોમાં ઉછેર પામી, લોહીના પ્રવાહને બંધ કરી દે છે અને જે-તે પેશીનો નાશ (નેક્રોસિસ) કરે છે. મ્યુકરમાઇકોસિસ ફેફસામાં ફેલાય તો તેને 'પલમોનરી માઇકોસિસ' તેમજ ચામડીમાં થાય તો તેને 'ક્યુટેનિઅસ માઇકોસિસ' તરીકે ઓળખવામાં આવે છે.

સાયનન્સ ઈન્ફેકશન થાય, સાથે નાક બંધ થવું, નાકમાંથી લોહી નીકળવું, શ્વાસ લેવામાં તકલીફ, રસી પડવી, તાવ અને તાળવું કાળા રંગનું થઈ જવુ માથાનો દુખાવો અને તાવ જેવી તકલીફો, ચેપ સાયન્સની બહાર લાગે તો મોંની ઉપરનું જડબુ કોતરાઇ જવું નાકની આસપાસ સોજો થવો આંખ અને સાઇનસ પર લાલાશ (એરીથેંમા) અઠવાડિયા પછી નાકમાં ગાંઠ થઈ હોય તેવું લાગે.

આ રોગ સંદર્ભે સુગર લેવલની ભૂમિકા અંગે જણાવતા ડો. હિતેશ પટેલ કહે છે કે કોરોનાના દર્દીઓને સારવારમાં સ્ટીરોઈડ આપવામાં આવે છે. જેના લીધે સુગર લેવલ વધે છે. આથી, ડાયાબીટીશવાળા અથવા જેને ડાયાબીટીશ નથી, તેવા કોરોનાગ્રસ્ત દર્દીઓએ પણ સુગર લેવલ ચેક કરતુ રહેવું જોઈએ. જો સુગર લેવલ ૨૦૦થી વધુ આવે તો મ્યુકરમાઈકોસિસનો ખતરો ટાળવા તુરંત ડોકટરનો સંપર્ક કરવો જરૂરી છે.

મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ તથા જીવનદીપ હોસ્પિટલના એમ.ડી. ડો. વિજય ગઢીયાએ જણાવ્યું છે કે રોગપ્રતિકારક શકિત ઓછી થઇ જાય અને ડાયાબીટીશ કાબુમાં ન હોય ત્યારે મ્યુકર નામની ફૂગ શરીર પર આક્રમણ કરે છે. આ ફૂગ અઠવાડિયામાં નાકમાંથી સાયન્સમાં થઈને આંખથી મગજ સુધી પહોંચી જાય છે. એટલે કે તેનો ફેલાવો ખુબ ઝડપથી થાય છે. તેની સારવાર એકથી દોઢ મહિના સુધી ચાલે છે. દર્દીઓની આંખ, મગજ તથા કિડની પર ગંભીર ઇજા પહોંચે છે. જેની લાઈફટાઈમ માટે દર્દીઓએ પીડા સહન કરવી પડે છે. અને આ રોગમાં કોરોના કરતા મૃત્યુદર ઘણો ઊંચો છે. મોરબીમાં દરરોજ લગભગ ૧૫-૨૦ કેસો જોવા મળે છે. વધુમાં, હાલમાં લોકો કોરોનાથી બચવા માટે નિયમિત રીતે નાસ લેતા હોય છે. ત્યારે નાસ લીધા બાદ જો નાકની આજુબાજુ ભેજ રહે તો ફૂગને અનુકૂળ વાતાવરણ મળી જાય છે. આથી, ડોકટરની સલાહ વિના કે વધુ પડતી નાસ ન લેવી હિતાવહ છે.

(1:04 pm IST)