સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th May 2021

જુનાગઢની રાહતદરની ગીરનાર કોવીડ હોસ્પીટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપઃ પ૦ થી વધુ ગંભીર અને ૬૦૦ જેટલા કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા

વડીયા દેવળીના હરેશભાઇ જોષીને મોતના મુખમાંથી બચાવી લીધાઃ અશ્વીનભાઇ વાળા અને ટીમની કાબીલેદાદ સેવા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા,.૭: જુનાગઢની ગુરૂ દતાત્રેય ગિરનાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્રહ્મસમાજ કન્યા છાત્રાલય પાસે રામનિવાસ બીલખા રોડ જુનાગઢ ખાતે ગિરનાર કોવીડ હોસ્પીટલમાં દર્દીઓને રાહતદરે સારવાર કરવામાં આવી રહી છે.

મેનેજીંગ ટ્રસ્ટી અસ્તેય પુરોહીત અને એડમીનીસ્ટેટીવ મેનેજર અશ્વીનભાઇ વાળાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે છેલ્લા એક વર્ષ દરમ્યાન આ કોરોના કાળમાં ૫૦ થી વધુ ગંભીર બીમારીના લક્ષણો વાળા દર્દીઓને કોરોનાના નિષ્ણાંત ડોકટરો સર્વશ્રી ડો.ચિંતન યાદવ, શૈલેષ જાદવ સહીતના તબીબોના અથાગ પ્રયાસોથી મોતના મુખમાંથી ઉગારી લીધા હતા અને ૬૦૦ જેટલા કોરોના દર્દીઓ જેવા કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ઓકસીજન લેવલ ઘટી જતુ હોય તેવા દર્દીઓ સ્વસ્થ થઇ ઘરે પરત થયેલ છે.

ગત તા.ર૮ એપ્રીલના રોજ વડીયા દેવળીના ઢુંઢીયા પીપળીયા ગામે બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા હરેશભાઇ પરસોતમભાઇ જોષીને એકાએક તાવ અને ઉધરસ આવતા તેઓએ જુનાગઢ તેમના મોટા બાપુજીના દિકરા અને અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી તથા મામાના દીકરા  ચેતન દિનેશભાઇ દવેનો સંપર્ક સાધી તાબડતોબ જુનાગઢ આવેલ અને હાટકેશ હોસ્પીટલના એમ.ડી. ડો.રાહુલ  પંડયા પાસે નિદાન કરાવતા કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ અને દવા લઇ પરત વડીયા દેવળી જતા રહેલ અને બે દિવસ સુધી થોડી રાહત રહયા બાદ હરેશભાઇ જોષીને એકાએક ખુબ ઉધરસ શરૂ થતા તેઓનું ઓકસીજન લેવલ એકાએક ૬૦ જેટલુ થઇ જતા તાબડતોબ જુનાગઢ ખાતે લાવવામાં આવેલ અને ડો.ચિંતન યાદવનો સંપર્ક સાધી અને હોસ્પીટલમાં જગ્યા ન હોવા છતા માનવતાના ધોરણે ગિરનાર કોવીડ હોસ્પીટલના મેનેજરશ્રી  અશ્વીનવાળાને ત્યાં દાખલ કરવામાં આવેલ અને તાત્કાલીક સારવાર મળવાનું શરૂ કરવામાં આવેલ અને ડો.ચિંતન યાદવના માર્ગદર્શન હેઠળ નર્સીગ સ્ટાફ અને અશ્વીનભાઇ દ્વારા સતત બે દિવસ સુધી ઓકસીજન બાટલા દ્વારા પુરૂ પાડવામાં આવતા ધીમે ધીમે તબીયતમાં સુધારો થવા લાગ્યો અને હાલ ઓકસીજન લેવલ ૯પએ પહોંચ્યું છે જેથી આજે હરેશભાઇને કોરોના મુકત કરી નવી જીંદગી મળતા તેમના ધર્મપત્ની ઉર્મીલાબેન તથા પુત્રી કૃપાલી સહીત પરીવારજનોમાં આનંદ છવાયો છે.

કોરોના પોઝીટીવ દર્દીઓને પણ સંક્રમીત ન થવાની બીક અને ડર વગર મેેનેજર અશ્વીનભાઇ વાળા ભેટી પડે છે અને હોસ્પીટલમાંથી દર્દીઓને રજા આપે ત્યારે અસંખ્ય દર્દીઓને અશ્વીનભાઇ ભેટી અને ભાવભીની વિદાય આપે છે. કોરોનામુકત થઇ સંપુર્ણ સ્વસ્થ થઇ આજે હોસ્પીટલમાંથી રજા આપતી વેળાએ હરેશભાઇએ જણાવ્યું હતું કે આ હોસ્પીટલમાં રાહત દરે સેવાયજ્ઞ ચાલી રહયો છે અને હોસ્પીટલમાં વેન્ટીલેટર સાથે આઇસીયુ સેન્ટ્રલી એસી તેમજ હાઇપ્રેશર સેન્ટ્રલ ઓકસીજન સીસ્ટમ રાહતદરે મેડીકલ સ્ટોર અને રાઉન્ડ ધ કલોક દર ૬ કલાકે દર્દીના કુટુમ્બીજનોને સારવાર અંગેના રીપોર્ટ એસએમએસ અને ફોન દ્વારા જાણ કરવામાં આવે છે.

હશેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે દર્દીઓને સવાર સાંજ ભાખરી ચા બટેટા પવાનો નાસ્તો અને ઘરે જમતા હોય તેવું કાઠીયાવાડી સ્વાદવાળુ ભોજન પણ આપવામાં આવે છે અને આપણે ઘરે જ સારવાર લેતા હોય તેવો અનુભવ થાય છે અને હોસ્પીટલનો સ્ટાફ પણ અત્યંત માયાળુ અને આપણી કાળજી લઇ વારંવાર કાઇ તકલીફ નથીને તેની કાળજી લેવામાં આવે છે. આજે પણ દર્દીઓને રજા આપવામાં આવતી હતી ત્યારે કોરોનામાંથી મુકિત થનાર દર્દીઓને ભેટી અને પોતાના સ્વજન પરીવારની જેમ ભેટી અને રજા આપતા મેનેજર અશ્વીનભાઇ વાળા નજરે પડતા હતા અને આજરોજ હરેશભાઇ જોષીને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવતા હરેશભાઇને ભેટી અને અશ્વીનભાઇ વાળાએ કાયમી સ્વસ્થ રહો તેવી શુભકામના આપી હતી અને સ્ટાફે પણ શુભેચ્છા આપતા હરેશભાઇની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. ગીરનાર કોવીડ હોસ્પીટલની વધુ માહીતી માટે ૭પ૭૩૮ ૦૪૧૦૪ ઉપર સંપર્ક સાધવો.

(1:12 pm IST)